સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા, નાસાએ સ્પેસએક્સનો આભાર માન્યો…

માયામી: 9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથીદાર બુચ વિલ્મોર (Butch Wilmore) આખરે પૃથ્વી પર સલામત રીતે પરત ફર્યા છે. ભારતીય સમય મુજબ બંને અવકાશયાત્રીઓ બુધવારે (19 માર્ચ, 2025) 3.30 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારાની નજીક સુરક્ષિત રીતે ઉતર્યા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)થી રવાના થયા બાદ અવકાશયાત્રીઓ 17 કલાકની મુસાફરી પછી પૃથ્વી પર પાછા ફર્યા છે.
આ પણ વાંચો : સુનિતા વિલિયમ્સ ‘નાસા’ના સભ્યોને જોઈને નાચી ઊઠ્યા, સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ
ISSથી અલગ થયાના કલાકો પછી સ્પેસએક્સનું કેપ્સ્યુલ પેરાશૂટ દ્વારા ગલ્ફ ઓફ મેક્સિકોમાં ઉતર્યું. ફ્લોરિડાના ટલાહસી(Tallahassee)ના કિનારે કેપ્સ્યુલનું સ્પ્લેશડાઉન થયું હતું. સ્પેસ એજન્સી નાસાએ એક વીડિયો પણ શેર કર્યો છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સાથે ક્રૂ-9 ના બે અન્ય અવકાશયાત્રીઓ, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પૃથ્વી પર પરત ફર્યા.
અવકાશથી પાછા ફર્યા પછી, અવકાશ યાત્રીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા. અવકાશયાત્રીઓ અવકાશથી પાછા ફર્યા પછી તરત જ ચાલી શકતા નથી. તેના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થયા હોય છે. આવી સ્થિતિમાં, નાસા આ અંગે કડક સુરક્ષા પ્રક્રિયાઓ અપનાવે છે.
નાસાએ સ્પેસ એક્સનો આભાર માન્યો:
મિશનની સફળતા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં, નાસાએ આ લાંબા મિશન દરમિયાન આવેલા પડકારો પર પ્રકાશ પાડ્યો અને સ્પેસએક્સના યોગદાન બદલ આભાર માન્યો. નાસાના અધિકારીઓએ જણાવ્યું કે, ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલની વિશ્વસનીયતા અને ટીમના સમર્પણે આ મિશનને સફળ બનાવ્યું
સુનિતા વિલિયમ્સે સુરક્ષિત પરત ફર્યા બાદ હાથ હલાવીને ખુશી વ્યક્ત કરી અને મિશન દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા. નાસાએ એમ પણ કહ્યું કે આ મિશનમાંથી મેળવેલા અનુભવોમાંથી શીખ લઇને ભવિષ્યની અવકાશ યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરવામાં આવશે.
આ પણ વાંચો : સુનિતા વિલિયમ્સ વહેલા પૃથ્વી પર પરત ફરશે, નાસાએ તારીખ અને સમય જાહેર કર્યા…
આઠ દિવસનો પ્રવાસ 9 મહિના લંબાયો:
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂન, 2024 ના રોજ બોઇંગ સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ મારફતે ISS પહોંચ્યા હતાં. તેમનું મિશન ફક્ત એક અઠવાડિયા માટેનું હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે, નાસાએ સ્ટારલાઇનરને છોડવું પડ્યું અને અવકાશયાત્રીઓ નવ મહિના સુધી અવકાશમાં ફસાયેલા રહ્યાં.