Sunita Williams ના પૈતૃક ગામ જુલાસણમાં કરાઇ રહી છે પ્રાર્થના, નવ મહિનાથી પ્રજવલિત છે અખંડ જ્યોત…

મહેસાણા : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે.તેમની વાપસી પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. તેવા સમયે સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ મહેસાણાના જુલાસણમાં હાલ ખુશીનો માહોલ છે. જેમાં મહત્વની બાબત એ છે કે છેલ્લા નવ મહિનાથી આ ગામમાં સુનિતા વિલિયમ્સ સુરક્ષિત પરત ફરે તે મારે પૂજા- અર્ચના કરવામાં આવી રહી છે. ગામના પ્રાચીન ડોલો દેવી મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે. મંદિરના પુજારીઓ ભગવાન ઉપરાંત મંદિરમાં સુનિતા વિલિયમ્સની તસવીર રાખીને આ પૂજા કરી રહ્યા છે.
સુનિતા વિલિયમ્સનો પરિવાર જુલાસણ ગામનો
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો પરિવાર જુલાસણ ગામનો છે. જેના લીધે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરવાના સમાચારથી ગામમાં ઉત્સાહ છે. શાળાના બાળકો સહિત આખું ગામ તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે અને ભવ્ય સ્વાગતનું આયોજન કરી રહ્યું છે.
આ પણ વાંચો : Sunita Williams ના પરત ફરવા મુદ્દે પીએમ મોદીએ લખ્યો પત્ર, કહ્યું તમામ ભારતીયોને ગર્વ
સુનિતા જલ્દી જુલાસણ આવે અને તેમને મળે
જેમાં ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિશાલભાઈએ કહ્યું, છેલ્લા નવ મહિનાથી, અમે તેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. હવે અમને રાહત અને ખુશી છે કે તે જલ્દી પાછી આવશે. આખું ગામ તેને પોતાની પુત્રી માને છે. તેમણે કહ્યું કે તેમની અવકાશ યાત્રા દરમિયાન તણાવપૂર્ણ ક્ષણો દરમિયાન પણ ગામનો આત્મવિશ્વાસ ડગમગ્યો નહીં.
વિશાલ ભાઈએ જાહેરાત કરી, “સુનિતા સુરક્ષિત પાછા ફર્યા પછી અમે કાલે સવારે એક મોટું વિજય સરઘસ કાઢીશું.” ગામલોકોએ એવી પણ ઇચ્છા વ્યક્ત કરી કે સુનિતા જલ્દી જુલાસણ આવે અને તેમને મળે. તેમણે કહ્યું, તે અહીંના દરેક માટે પ્રેરણારૂપ છે.
સુનિતા વિલિયમ્સના પોસ્ટરો લગાવવામાં આવ્યા
જુલાસણના સ્કૂલની દિવાલો પર સુનિતા વિલિયમ્સના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જે બાળકોને મોટા સ્વપન જોવા માટે પ્રેરણા આપે છે. તેમના સ્પેસવોક અને અસાધારણ પ્રવાસથી પ્રભાવિત બાળકો તેમના સફળ પુનરાગમનની ઉજવણી કરવા આતુર છે. તેઓ ઇચ્છે છે કે સુનિતા ગામમાં આવે અને તેના અવકાશના અનુભવો શેર કરે.