
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને સંપૂર્ણ પાકિસ્તાન ક્રિકેટ હાલમાં અત્યંત કથળેલી હાલતમાં છે, ઇન્ઝમામ-ઉલ-હક સહિત એના કેટલાક ખેલાડીઓ ભારતની આઇપીએલ વિશે ક્રિકેટજગતના મંચ પર ઝેર ઓકી રહ્યા છે અને એવામાં સાઉથ આફ્રિકાનો એક ખેલાડી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) છોડીને આઇપીએલમાં રમવા આવી ગયો એટલે પીસીબીના મોવડીઓનો પિત્તો ગયો છે.
સાઉથ આફ્રિકાના 30 વર્ષીય ઑલરાઉન્ડર કૉર્બિન બૉશ્ચે પીએસએલમાં રમવાના કરાર કર્યા હોવાનું પીસીબીનું કહેવું છે. જોકે કૉર્બિન મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) વતી રમવા માટે આઇપીએલમાં આવી ગયો એટલે પીસીબીએ કૉર્બિનને કાનૂની નોટિસ મોકલી છે.
આ પણ વાંચો: પહેલી મૅચમાં હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન કોણ? રોહિત, સૂર્યા કે બીજું કોઈ?
ફાસ્ટ બોલર લિઝાદ વિલિયમ્સ ઈજા પામતાં આઇપીએલમાંથી નીકળી ગયો એટલે એમઆઇએ તેના સ્થાને કૉર્બિનને બોલાવ્યો છે. એમઆઇએ બોલાવતાં જ કૉર્બિન પીએસએલમાંથી નીકળી ગયો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
પીએસએલમાં કૉર્બિનને પેશાવર ઝલ્મી નામની ટીમે ખરીદ્યો હતો. પીસીબીએ કૉર્બિનને નોટિસમાં પૂછ્યું છે કે `તમે અમારી સાથેના કરારમાંથી કેમ ખસી ગયા એનું કારણ જણાવો.’ આવું જણાવીને પીસીબીએ કૉર્બિનને કરારનો ભંગ કરવાનું શું પરિણામ આવી શકે એ પણ જણાવ્યું છે.
પાકિસ્તાન સુપર લીગ 11 એપ્રિલથી પચીસમી મે સુધી રમાવાની છે. આઇપીએલ બાવીસમી માર્ચથી પચીસમી મે સુધી રમાશે.