આમચી મુંબઈ

તો પહેલી જૂનથી ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓને વધુ ભાડું ચૂકવવું પડશે…

મુંબઈઃ મુંબઈ એરપોર્ટથી ઉપડતા ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓ માટે જૂનથી હવાઇ ભાડા વધી શકે છે, કારણ કે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઇએએલ)એ એરલાઇન્સ પાસેથી યુઝર ડેવલપમેન્ટ ફી (યુડીએફ) વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમ છતાં એમઆઇએએલએ વિમાનોના લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જીસ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકીને આ ફીને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.

એમઆઇએએલએ 17મી માર્ચના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઇએ)ના ચોથા નિયંત્રણ સમયગાળા માટે એરોનોટિકલ ટેરિફ માટે તેનો વાર્ષિક ટેરિફ રજૂ કર્યો હતો જે પહેલી એપ્રિલ, 2024થી શરૂ થયો હતો અને 31મી માર્ચ, 2029 સુધી ચાલશે.

એમઆઇએએલએ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એઇઆરએ)ને સોંપેલા પોતાના પ્રસ્તાવમાં અદાણી ગ્રુપે મુંબઈ એરપોર્ટનું સંચાલન હાથે લીધા બાદ પ્રથમ વખત ટેરિફમાં સુધારો કરવાની માગણી કરી હતી.

આ પણ વાંચો : મુંબઈમાં અનધિકૃત બાંધકામોની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ કરશે: ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત

કંપનીએ પ્રથમ વખત ડોમેસ્ટિક પ્રવાસીઓ પાસેથી 325 રૂપિયા યુડીએફ ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એનો અર્થ એવો થયો કે મુંબઈથી ઉપડનારી દરેક એરલાઇન્સે એરપોર્ટને 325 યુડીએફ ફી ચૂકવવી પડશે.

આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓની યુડીએફ ફી પણ 187 રૂપિયાથી વધારીને 650 રૂપિયા કરવામાં આવી છે. આ ચાર્જીસ પહેલી જૂનથી વસૂલવાનું શરૂ થશે. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોના, તેમજ ફરજ પરના રાજદ્વારીઓ, એરલાઇન્સ ક્રુ, સંરક્ષણ કર્મચારી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કંપનીનું કહેવું છે કે આ ટેરિફમાં કરાયેલા સુધારાને કારણે મુંબઈ એરપોર્ટ પર ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ટેક્નોલોજી એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં મદદ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button