શ્રેયસ ઐયર કેમ કહે છે કે `મને ખોટો બદનામ કરવામાં આવ્યો’

ચંડીગઢઃ 2024ની આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને શાનદાર કૅપ્ટન્સીથી ટ્રોફી અપાવનાર શ્રેયસ ઐયર આ વખતે પંજાબ કિંગ્સનો કૅપ્ટન છે અને એને ટ્રોફી અપાવવા મક્કમ છે, પરંતુ 23મીએ 18મી આઇપીએલ શરૂ થાય એ પહેલાં શ્રેયસે થોડા સમય પહેલાં પોતાને જે મુદ્દે ખોટો બદનામ કરવામાં આવ્યો એની વાત કરી છે.
પંજાબના ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં શ્રેયસને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે પોતાના વિશે થોડા સમયથી થતી ચર્ચા પર અભિપ્રાય આપ્યો છે. શ્રેયસે તાજેતરમાં દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત વતી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને એ જ ફૉર્મ હવે આઇપીએલમાં જાળવી રાખવા માગે છે.
આ પણ વાંચો : ‘આપને મેરી બોલતી બંદ કર દી’, એવું શ્રેયસ ઐયરને એક્ટ્રેસ સાહિબા બાલીએ કેમ કહ્યું?
તાજેતરમાં શ્રેયસને શૉર્ટ બૉલ સામે રમવામાં તેની નબળાઈ વિશે પૂછાતાં તેણે પોતાને ખોટો બદનામ કરવામાં આવ્યો હોવાનું કહીને ઉમેર્યું હતું કે મારા વિશે આ ખોટી ધારણા બંધાઈ છે અથવા મને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. જોકે મને મારી ક્ષમતા અને તાકાત પર હંમેશાં ભરોસો રહ્યો છે. ગેમ સતત બદલાતી રહેતી હોય છે એટલે ખેલાડીએ પોતાના પર્ફોર્મન્સમાં સતત સુધારો કરવો પડતો હોય છે.
મને આનંદ છે કે હું સકારાત્મક અભિગમ સાથે જ રમતો રહ્યો છું.’ છેલ્લી આઠ વન-ડેમાં 53.00ની સરેરાશે રન બનાવનાર શ્રેયસ હવે પંજાબ કિંગ્સનું નેતૃત્વ સંભાળશે. એ વિશે તેણે કહ્યું,મેં એ બાબતમાં ખાસ કંઈ વિચાર્યું નથી. હું હંમેશાં આ ગેમ પ્રત્યેની ઇમાનદારીથી રમતો રહ્યો છું. મને ખાતરી હતી કે ઇમાનદારી અને સારા પ્રદર્શન બદલ મને ફરી (કૅપ્ટન્સીનો) મોકો મળશે જ. હું જે કંઈ પરિણામો મેળવી શક્યો છું એનાથી ખુશ છું. મેં ખૂબ મહેનત તો કરી જ છે, કોચ પ્રવીણ આમરે સરથી માંડીને ટ્રેઇનર સાગર સુધીના દરેક જણે મહેનત કરી છે. 2023નો વન-ડે વર્લ્ડ કપ હોય કે ચૅમ્પિયન્સ ટ્રોફી, મને ચોથા ક્રમે બૅટિંગ કરવાનું ખૂબ ગમ્યું છે.’
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં શ્રેયસે પાંચ મૅચમાં 243 રન બનાવ્યા હતા.