ફરી રડાવશે કાંદા, એક અઠવાડિયામાં થયો ભાવમાં આટલો ટકાનો વધારો…
નાસિકઃ દેશમાં કાંદાના ભાવમાં વધારો જોવા મળી શકે છે અને એક કિલો કાંદા માટે નાગરિકોએ મોટી રકમ ચૂકવવી પડશે. મહારાષ્ટ્રના લાસલગાંવને કાંદાની સૌથી મોટી બજાર માનવામાં આવે છે અને આ જ બજારમાં કાંદાના ભાવમાં છેલ્લાં સાત દિવસમાં આશરે 37 ટકાનો વધારો જોવા મળ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના લાસલગાંવ મંડીને દેશભરમાં કાંદાના ભાવ માટે બેન્ચ માર્ક તરીકે જોવામાં આવે છે. લાસલગાંવમા 10મી ઓક્ટોબરના કાંદાનો ભાવ સરેર 2410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો અને ગઈકાલે આ ભાવ 3301 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો હતો.
જ્યારે હોલસેલ બજારમાં કાંદાના ભાવમાં આટલો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રિટેઈલ માર્કેટમાં પણ એના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. માસિક ભાવની વાત કરીએ તો દિલ્હીમાં હોલસેલ માર્કેટમાં કાંદાના ભાવમાં પાંચથી છ ટકાનો વધારો થયો અને મહારાષ્ટ્રમાં આ પ્રમાણ 15 ટકા જેટલો હતો.
કાંદાના ભાવ વધારા પાછળના જવાબદાર કારણોની વાત કરીએ તો કાંદાના ખરીફ પાકમાં એક મહિનાનો થયેલો વિલંબ હોવાનું કહેવાઈ રહ્યું છે. દેશમાં સૌથી વધુ કાંદાનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. પરંતુ આ વર્ષે મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં પૂરતો વરસાદ નથી થયો અને એને કારણે નવો પાક આવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેને કારણે તેની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
જોકે, આ પહેલી વખત નથી કે કાંદાના ભાવમાં વધારો જોવા મળ્યો હોય. આ પહેલાં પણ કાંદાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને એ સમયે સરકારે દરમિયાનગિરી કરીને તેના ભાવને નિયંત્રત્રણમાં લાવ્યા હતા. જોઈએ હવે આ વખતે આમ આદમીને કાંદા કેટલી હદે અને કેટલા સમય સુધી રડાવી શકે છે.