પહેલી મૅચમાં હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન કોણ? રોહિત, સૂર્યા કે બીજું કોઈ?

મુંબઈઃ બાવીસમી માર્ચે શરૂ થતી આઇપીએલની 18મી સીઝનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ વચ્ચેની રોમાંચક પ્રારંભિક મૅચના બીજા દિવસે (23મી માર્ચે) મુંબઈ ઇન્ડિયન્સની મૅચમાં કંઈક નવું જ જોવા મળશે. હાર્દિક પંડ્યા મુંબઈની ટીમનો ફરી કૅપ્ટન નીમાયો હોવા છતાં ચેન્નઈમાં એ દિવસે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાનારી મૅચમાં મુંબઈના કૅપ્ટનપદે તો શું, મૅચની ઇલેવનમાં જ હાર્દિક નહીં જોવા મળે. એ સ્થિતિમાં હાર્દિકના સ્થાને કૅપ્ટન્સી રોહિત શર્મા સંભાળશે કે સૂર્યકુમાર યાદવ કે પછી બીજું કોઈ એ સૌથી મોટો સવાલ છે.
વાત એવી છે કે 2024ની સીઝનમાં મુંબઈની ટીમ જે આખરી મૅચ રમી હતી એમાં સ્લો ઓવર-રેટના ત્રીજા અફેન્સ (નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી ન કરાવવા) બદલ હાર્દિકના રમવા પર એક મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ સીઝનમાં મુંબઈની વધુ કોઈ મૅચ ન હોવાથી એ પ્રતિબંધ આ વખતની સીઝનની પ્રથમ મૅચમાં લાગુ પાડવામાં આવશે એટલે હાર્દિક 23મીએ ચેન્નઈ સામેના મુકાબલામાં નહીં રમી શકે.
આ પણ વાંચો: બુમરાહ શરૂઆતની મૅચો નહીં રમે, મુંબઈ ઇન્ડિયન્સ પાસે બીજા નવ પેસ બોલર છે!
જો સ્લો ઓવર-રેટનો પ્રથમ અફેન્સ થાય તો સંબંધિત ટીમના કૅપ્ટનને 12 લાખ રૂપિયાનો અને બીજી મૅચમાંના અફેન્સ બદલ 24 લાખ રૂપિયાનો દંડ થાય છે. ત્રીજી વખત એ જ અફેન્સનું પુનરાવર્તન થાય તો કૅપ્ટન પર એક મૅચનો બૅન લાગુ થાય છે અને હાર્દિક સાથે એવું જ થયું છે.
23મીએ ચેન્નઈમાં મુંબઈની ટીમના સુકાનીપદે રોહિત શર્મા જોવા મળશે કે સૂર્યકુમાર એ સવાલ છે. હા, હાર્દિકની જગ્યાએ રૉબિન મિન્ઝને રમવાનો મોકો મળશે એવી સંભાવના છે.
આ પણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સને મળ્યો નવો બોલિંગ-કોચ, જાણો કોને સોંપાઈ જવાબદારી
પ્લેઇંગ ઇલેવનમાં ન્યૂ ઝીલૅન્ડનો મિચલ સૅન્ટનર પણ હશે અને તેને પણ કૅપ્ટન્સી સોંપાય એવી સંભાવના છે. જોકે વિદેશી ખેલાડી કરતાં ભારતીય ખેલાડીને જ એ એક મૅચ પૂરતી કૅપ્ટન્સી સોંપાશે એવી શક્યતા છે. સૅન્ટનરે તાજેતરની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રનર-અપ બનેલી ન્યૂ ઝીલૅન્ડની ટીમનું સુકાન સંભાળ્યું હતું.
પ્રથમ મૅચ માટેની મુંબઈ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ
રોહિત શર્મા, વિલ જેક્સ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), રૉબિન મિન્ઝ, નમન ધીર, દીપક ચાહર, મિચલ સૅન્ટનર, કર્ણ શર્મા, ટ્રેન્ટ બૉલ્ટ, કૉર્બિન બૉશ્ચ/મુજીબ-ઉર-રહમાન.