ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: ભાજપના નેતાના ભાઇની ધરપકડ…
જાવેદ આઝમને મળ્યા હતા 18 કરોડ: 24 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરનારી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ સોમવારે ભાજપના નેતા હૈદર આઝમના નાના ભાઇ જાવેદ આઝમની ધરપકડ કરી હતી. આ કેસના આરોપી ઉન્નનાથન અરુણાચલમે જાવેદને વ્યવસાય માટે 18 કરોડ રૂપિયા આપ્યા હતા, એવું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો : ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: સિવિલ કોન્ટ્રેક્ટર વડોદરાથી પકડાયો
ઇલેક્ટ્રિકલ ડીલર જાવેદ આઝમને મંગળવારે અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. જાવેદની ધરપકડ સાથે હવે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા સાત પર પહોંચી છે.
આ કેસમાં મહિનાથી ફરાર અરુણાચલમ રવિવારે આર્થિક ગુના શાખાને શરણે થયો હતો અને તેની બાદમાં ધરપકડ કરાઇ હતી. અરુણાચલમની પૂછપરછમાં જાવેદ આઝમનું નામ સામે આવ્યું હતું, જે તેના સંપર્કમાં હતો.
દરમિયાન આ કેસના મુખ્ય આરોપી અને બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતા પર 11 માર્ચે પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ પોલીસને મળ્યો હતો.
આ પણ વાંચો : ન્યૂ ઇન્ડિયા બૅંકમાં 122 કરોડની ઉચાપત: હિતેશ મહેતા પર પોલીગ્રાફ ટેસ્ટ કરાઇ…
હિતેશ મહેતા પૂછપરછ દરમિયાન પૈસાના વ્યવહારો અંગે પોતાનાં નિવેદનો બદલતો રહ્યો હતો અને તે તપાસમાં સહકાર પણ આપતો નહોતો. આથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો દ્વારા મહેતા પર આ ટેસ્ટ કરાવાઇ હતી અને મહેતા ખોટું બોલ્યો હોવાની આ ટેસ્ટ પરથી પુષ્ટિ થઇ હતી. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે મહેતા પર પોલીગ્રાફ ટેસ્ટથી એવી કોઇ માહિતી મળી નથી જે તપાસને નવી દિશા આપે.