મહારાષ્ટ્ર

‘શું ગૃહ વિભાગ સૂઈ રહ્યો હતો?’

ફડણવીસ ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેના નિશાના પર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં થયેલી હિંસા પુર્વનિયોજિત હતી એવું નિવેદન કર્યા બાદ શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં એવા સવાલ કર્યા હતા કે ‘શું નાગપુરમાં હિંસા થઈ રહી હતી ત્યારે ગૃહ વિભાગ સૂઈ રહ્યું હતું?’, ‘મુખ્ય પ્રધાન નાગપુરના છે. શું તેમને આ વિશે કંઈ ખબર નહોતી?’

નાગપુરમાં બનેલી ઘટના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. રાજ્ય સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. શું નાગપુરમાં હિંસા થઈ રહી હતી ત્યારે ગૃહ વિભાગ સૂતો હતો? મુખ્ય પ્રધાન પોતે નાગપુરના છે. શું તેમને આ વિશે કંઈ ખબર નહોતી? એમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકારને આડેહાથ લેતાં પુછ્યું હતું.

ઔરંગઝેબની કબર હટાવો, તમને કોણે રોક્યા છો? જો તમે આવા પ્રશ્ર્નો પૂછો છો અને છત્રપતિ શિવાજીનું અપમાન આટલું ગંભીરતાથી લો છો, તો કોરાટકર અને સોલાપુરકર હજુ પણ આઝાદ કેમ છે? એવા સવાલ ઉદ્ધવ ઠાકરેએ કર્યા હતા.

આપણ વાંચો: હવે ઉદ્ધવ ઠાકરે ચાલ્યા પિતાના રસ્તેઃ સેનાભવનમાં હાજરી લગાવવાનું આ નેતાઓને કર્યું ફરમાન

તેમણે કહ્યું હતું કે નાગપુરમાં ગૃહ પ્રધાનનું ઘર આવેલું છે. આવી સ્થિતિમાં નાગપુરમાં હિંદુ ખતરામાં કેમ છે? તમે આટલા વર્ષો શું કર્યું? હિંસા પુર્વઆયોજિત હતી તો તમારા ખાતાને એની જાણકારી કેમ ન મળી? તમે આ માહિતી મળવા છતાં તેના પર દુર્લક્ષ કેમ કર્યું એવા સવાલ તેમણે સીધા ફડણવીસને કર્યા હતા.

હિન્દુત્વનું સમર્થન કરતી વખતે બીજાની ટીકા કરવાનું ટાળો. કોઈ ઔરંગઝેબને ટેકો આપી શકે નહીં. મુસ્લિમો સામે ભાજપને આટલો બધો દ્વેષ હોય તો આગામી સમયમાં, ભાજપે પોતાના ધ્વજ પરથી લીલો રંગ દૂર કરવો જોઈએ, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

આપણ વાંચો: એમવીએમાં ખેંચતાણઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ વિપક્ષના નેતા તરીકેનો દાવો કર્યો, રોટેશન થશે નહીં…

ગુજરાતમાં જન્મેલા ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજ સામે લડાઈ કરી અને છત્રપતિએ શક્તિશાળી દળોને હરાવીને હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરી હતી. ઔરંગઝેબ મહારાષ્ટ્ર જીતવા આવ્યો હતો, પણ તે મહારાષ્ટ્રની ધરતીનો એક કણ પણ જીતી શક્યો નહોતો. મહારાષ્ટ્રે તેમની હાલત કફોડી કરીને રાખી હતી. કોઈ પણ શિવ પ્રેમી આવા ઔરંગઝેબને ટેકો નહીં આપે. ઔરંગઝેબનો આ મકબરો કેન્દ્રના રક્ષણ હેઠળ છે.

‘એનો અર્થ એ કે જો કેન્દ્ર સરકાર ઔરંગઝેબની કબરનું રક્ષણ કરવા જઈ રહી છે, તો તમારો ઔરંગઝેબ કોણ છે?’ હું ભાજપ અને કેન્દ્ર સરકારને પૂછવા માગું છું, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

‘ચંદ્રાબાબુ અને નીતિશ કુમારને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરો’

ઔરંગઝેબ અને અફઝલ ખાન છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમના પુરાવા છે. જો તમારે તેમનો નાશ કરવો હોય, તો સરકાર પાસે જાઓ, મોદી પાસે જાઓ અને મોદીને કહો કે ઔરંગઝેબની કબરનો નાશ કરે, જેને જીવતો દફનાવવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે જ્યારે તમે આનો સમારોહ યોજો, ત્યારે ચંદ્રાબાબુ અને નીતિશ કુમારને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાનું ભૂલતા નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button