પ્રવાસમાં ખેલાડીઓ સાથે ફૅમિલી હોવી જોઈએ કે નહીં? એ મુદ્દે કપિલ દેવનો રસપ્રદ અભિપ્રાય જાણી લો

નવી દિલ્હીઃ ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવના મતે વિદેશ પ્રવાસમાં પરિવારજનોને પોતાની સાથે લઈ જવાની ભારતીય ખેલાડીઓને છૂટ મળવી જોઈએ, પરંતુ આવા ચર્ચાસ્પદ વિષયમાં સંતુલિત અભિગમ પણ હોવો જરૂરી છે. કપિલે આવું કહીને આ સંબંધમાં પોતાના સમયની રસપ્રદ વાત પણ કરી છે.
ઑસ્ટ્રેલિયામાં તાજેતરમાં ભારતીય ટીમ 1-3થી ટેસ્ટ-સિરીઝ હારીને પાછી આવી ત્યાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે નવો નિયમ બનાવ્યો હતો જેમાં જણાવાયું હતું કે હવે પછી ટૂંકા પ્રવાસમાં ખેલાડીઓ પત્ની, ગર્લફ્રેન્ડ કે પરિવારજનોને ફક્ત એક અઠવાડિયા સુધી પોતાની સાથે રાખી શકશે અને જો પ્રવાસ 45 દિવસ કે વધુ દિવસોનો હશે તો ખેલાડીઓ સાથે તેઓ વધુમાં વધુ 14 દિવસ સુધી જ રહી શકશે.
જોકે વિરાટ કોહલીએ તાજેતરમાં આ નિયમ વિશે આડકતરી રીતે અણગમો બતાવ્યો હતો અને એક ઇવેન્ટમાં કહ્યું હતું કે પ્રવાસમાં પરિવારજનોને પોતાની સાથે રાખવાથી ખેલાડીઓને મનોબળ મજબૂત કરવામાં મદદ મળે છે, પણ આ વાત કેટલાક લોકોને નથી સમજાતી.
આપણ વાંચો: યુવરાજના પિતા પિસ્તોલ લઈને શું ખરેખર કપિલ દેવને મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા?
તાજેતરમાં ભારતીય ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવા દુબઈ ગઈ હતી ત્યારે કોહલી તેમ જ રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી પોતાના પરિવારજનોને પોતાની સાથે ત્યાં લઈ ગયા હતા. એ ટૂરમાં પરિવારજનો આ ખેલાડીઓની ટીમની હોટેલમાં નહોતા રહ્યા અને પરિવારજનોનો રહેવા, જમવા સહિતનો બધો ખર્ચ બીસીસીઆઇએ નહીં, પણ સંબંધિત ખેલાડીઓએ ઉઠાવ્યો હતો.
1983 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે અહીં કપિલ દેવ ગ્રાન્ટ થૉર્નટન ઇન્વિટેશનલ' ઇવેન્ટ વખતે કહ્યું હતું કે
ખેલાડીઓ માટેનો આ નિયમ ક્રિકેટ બોર્ડનો છે જે વિશે હું એટલું જ કહીશ કે પ્રવાસ દરમ્યાન ખેલાડીને પોતાના પરિવારનો સંગાથ મળે એ જરૂરી છે, પરંતુ પ્રબળ ટીમભાવના જળવાય એ પણ અત્યંત જરૂરી છે.
આપણ વાંચો: કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…
અમારા સમયમાં (ક્રિકેટ બોર્ડ નહીં, પણ…) અમે પોતે ખેલાડીઓ જ અંદરોઅંદર નક્કી કરી લેતા હતા કે ટૂરના ફર્સ્ટ હાફમાં ખેલાડીઓ માટે ક્રિકેટ જ સર્વસ્વ હોવું જોઈએ અને સેકન્ડ હાફમાં ફૅમિલીના મેમ્બર્સ ભલે પ્રવાસમાં તેમની સાથે જોડાય અને ક્રિકેટ એન્જૉય કરે. ટૂંકમાં, ખેલાડીઓએ ક્રિકેટ રમવા પર અને ફૅમિલી મેમ્બર્સના સંગાથ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જોઈએ.’
કપિલ દેવ હાલમાં પ્રોફેશનલ ગૉલ્ફ ટૂર ઑફ ઇન્ડિયા (પીજીટીઆઇ)ના પ્રમુખપદે છે. તેમનું એવું મંતવ્ય છે કે `ટૂર દરમ્યાન ખેલાડીઓ સાથે તેમના પરિવારજનો હોવા જોઈએ. ખેલાડીને માનસિક દબાણમાંથી બહાર લાવવામાં તેમના પરિવારજનોની હાજરી ફાયદારૂપ થઈ શકે.
ખેલાડી પ્રેશરવાળી સ્થિતિમાં હોટેલની રૂમમાં ઉદાસ હાલતમાં એકલો બેઠો રહે એના કરતાં આસપાસ જો પરિવારના મેમ્બર્સ હોય તો તેને એ તંગ સ્થિતિમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળી શકે.’
પાટનગરમાં ગઈ કાલે કપિલ દેવના નામની ગોલ ટ્રોફી નું અનાવરણ કરવામાં આવ્યું હતું પણ એ પ્રસંગે કપિલ દેવ ઉપરાંત દેશના યુવાન ગોલ્ડ ખેલાડીઓ કરણ પ્રતાપ સિંહ તેમ જ ટવેસા મલિક ઉપસ્થિત હતા.