Vadodara માં ધાર્મિક સ્થળે ચંપલ પહેરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓને ટોળાએ ફટકાર્યા, પોલીસે 7 લોકોની ધરપકડ કરી…

અમદાવાદઃ વડોદરામાં(Vadodara)પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને ટોળાએ બેટ અને દંડાથી ફટકાર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાઘોડિયા તાલુકાના લીમડા ગામના તળાવ નજીક ધાર્મિક સ્થળ પાસે બુટ- ચંપલ પહેરીને નહીં આવવા ચેતવણી આપી હોવા છતાં તેમણે કોઈની વાતને ધ્યાને નહીં લેતા સ્થાનિક લોકોએ ચાર વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. પોલીસે આ ઘટનામાં 10 હુમલાખોરો સામે ગુનો દાખલ કરી 2 સગીર સહિત 7ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : વડોદરામાં નશાની હાલતમાં એકનો ભોગ લેનારા યુવકની ધરપકડ, Video જોઈ હચમચી જશો
લાકડી, બેટ તેમજ પથ્થરો મારી ઈજા પહોંચાડી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિક અને સાઉથ સુદાનનાં ચાર વિદ્યાર્થીઓ ધુળેટીની સાંજે ઈન્ફિનિટિ હોસ્ટેલની પાછળ ગામના તળાવ કિનારે ફરવા માટે ગયા હતાં. તેઓ બુટ-ચંપલ પહેરીને તળાવ કિનારે આવેલા ધાર્મિક સ્થળ નજીક પહોંચી ગયા હતા. ત્યાં હાજર એક શખ્સે બુટ, ચંપલ પહેરીને કેમ આવો છો? તેમ કહ્યા બાદ ભાષાની ગેરસમજ થતાં ઝઘડો થયો હતો. ઝઘડો કરનાર શખસે ફોન કરીને અન્યને બોલાવ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરી લાકડી, બેટ તેમજ પથ્થરો મારી ઈજા પહોંચાડી હતી.
એક વિદેશી વિદ્યાર્થીને વધુ ઈજા પહોંચી
જેમાં એક વિદેશી વિદ્યાર્થીને વધુ ઈજા પહોંચી હતી અને તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. અન્ય ઇજાગ્રસ્તોને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ધાર્મિક સ્થળ ઉપર અગાઉ પણ આ વિદ્યાર્થીઓ આવતા હતા અને લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે ધાર્મિક સ્થળના ઓટલા ઉપર બૂટ-ચંપલ સાથે બેસીને સિગારેટો પીતા હતા. સ્થાનિકો દ્વારા વિદેશી વિદ્યાર્થીને ઢોર માર મારતો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો.
વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
આ બનાવની જાણ પારૂલ યુનિવર્સિટીના સત્તાધીશોને થતાં દોડધામ મચી ગઇ હતી. વાઘોડિયા પોલીસના કર્મચારીઓ પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. વાઇરલ વીડિયોના આધારે 10 હુમલાખોરો પૈકી 2 સગીર મળી 7 હુમલાખોરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : વડોદરા અકસ્માતઃ 3 ASIની બદલી, એક્ટ્રેસ જ્હાનવી કપૂરને પણ આવ્યો ગુસ્સો…
જોકે, 2 સગીરને છોડી મૂકવામાં આવ્યા હતા.આ બનાવ અંગેની ફરિયાદ પારુલ યુનિવર્સિટીના ટીચિંગ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને નોકરી કરતા અશોક નદેસિંહ રાજપૂતે 10 હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.