ભારતની આ મહિલા હાર્ડ હિટર ચમકી બોલિંગમાં, હૅટ-ટ્રિક લઈને તરખાટ મચાવ્યો

ગુવાહાટીઃ સામાન્ય રીતે આક્રમક બૅટિંગથી ભારતને તેમ જ સ્થાનિક ક્રિકેટમાં પોતાની ટીમને વિજય અપાવવા માટે જાણીતી મહિલા ઓપનિંગ બૅટર શેફાલી વર્માએ સોમવારે કાંડાની કરામત બતાડી હતી. તેણે અહીં વિમેન્સ અન્ડર-23 વન-ડે ટ્રોફીમાં હૅટ-ટ્રિક લીધી હતી.
શેફાલી બૅટિંગના નબળા ફૉર્મને કારણે થોડા મહિનાઓથી ભારતીય ટીમની બહાર છે. તે પાર્ટ-ટાઇમ ઑફ સ્પિનર છે. સોમવારે તેણે હરિયાણા વતી રમતી વખતે કર્ણાટક સામેની મૅચમાં ઓવરના છેલ્લા બે બૉલમાં સલોની પી. અને સૌમ્યા વર્માની વિકેટ લીધી હતી અને ત્યાર પછીની પોતાની ઓવરના પહેલા જ બૉલમાં નમિતા ડિસોઝાને ક્લીન બોલ્ડ કરીને હૅટ-ટ્રિક નોંધાવી હતી.
21 વર્ષની શેફાલીએ 20 રનમાં આ ત્રણ વિકેટ લીધી હતી. હરિયાણાએ કર્ણાટક સામે છ વિકેટે વિજય મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શેફાલીએ ડબ્લ્યૂપીએલમાં ટ્રોફી જીતવામાં નિષ્ફળતા જોઈ એના બે જ દિવસ બાદ હૅટ-ટ્રિકની આ સફળતા મેળવી છે.
આપણ વાંચો: વડોદરામાં ડબ્લ્યૂપીએલનો ધમાકેદાર આરંભ: શાનદાર ઓપનિંગમાં આયુષમાન છવાઈ ગયો…
શેફાલી ડબ્લ્યૂપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વિમેન ટીમમાં હતી અને 15મી માર્ચે બે્રબર્ન સ્ટેડિયમમાં દિલ્હીનો મુંબઈ ઇન્ડિયન્સ વિમેન સામેની ફાઇનલમાં આઠ રનથી પરાજય થયો હતો અને મુંબઈએ બીજી વાર ટ્રોફી જીતી લીધી હતી, જ્યારે દિલ્હીની ટીમ લાગલગાટ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ રનર-અપ રહી હતી.
ડબ્લ્યૂપીએલની એ ફાઇનલમાં શેફાલીને બોલિંગ નહોતી આપવામાં આવી. મુંબઈની ટીમના 149/7ના સ્કોર સામે દિલ્હીની ટીમ 20 ઓવરમાં 141/9ના સ્કોર બદલ આઠ રનથી પરાજિત થઈ હતી.
આપણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટરો વિક્રમજનક 304 રનના માર્જિનથી જીતી, આયરલૅન્ડનો 3-0 થી કર્યો વાઇટ-વૉશ…
ડબ્લ્યૂપીએલની આ સીઝનમાં શેફાલી 304 રન સાથે દિલ્હીની બૅટર્સમાં નંબર-વન અને તમામ બૅટર્સમાં ચોથા સ્થાને હતી. મુંબઈની બ્રિટિશ બૅટર નૅટ સિવર-બે્રન્ટે હાઇએસ્ટ 523 રન બનાવ્યા હતા. ટોચની ચાર બૅટરમાં શેફાલી એકમાત્ર ભારતીય હતી.
શેફાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 12 વિકેટ લઈ ચૂકી છે.