Gujarat માં ડ્રગ્સ ટ્રાફિકિંગનું દૂષણ વધ્યું, 3 વર્ષમાં 1743 કેસ નોંધાયા…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ડ્રગ્સની તસ્કરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. પોલીસના પ્રયાસોથી ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ડ્રગ ટ્રાફિકિંગના 1743 કેસ નોંધાયા છે. પરંતુ, તેની સામે માત્ર 16 દોષિત પુરવાર થયાનું બહાર આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકિંગના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ 2022 માં 516, વર્ષ 2023માં 604 જ્યારે વર્ષ 2024માં 623 કેસ નોંધાયા હતા. જેની સામે દોષિતોનું પ્રમાણ ઓછું છે. વર્ષ 2022 માં 2, વર્ષ 2023માં 11 અને વર્ષ 2024માં 5 દોષિત પુરવાર થયાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી કેવી રીતે પકડાયો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો સોનાનો જથ્થો? જાણો વિગત
જોઇન્ટ કોઓર્ડિનેશન કમિટી બનાવાઈ
સરકારના દાવા અનુસાર, ડ્રગ ટ્રાફિકિંગ પર અંકૂશ મેળવવા નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટરની વ્યવસ્થા અમલમાં મૂકાઇ છે. જેના દ્વારા સેન્ટ્રલ-સ્ટેટ ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. મહત્ત્વની જપ્તી માટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ડિરેક્ટરના વડપણ હેઠળ જોઇન્ટ કોઓર્ડિનેશન કમિટી બનાવાઈ છે.
આ પણ વાંચો : અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટીકલ્સમાં દુર્ઘટના બની, ત્રણથી વધુ મહિલાકર્મી વોશરુમમાં થઇ બેભાન, એકનું મોત
કેન્દ્ર સરકારે ઓપરેશન “સાગર મંથન” અમલમાં મૂક્યું
ભારતને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે દેશમાં એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ કાર્યરત છે. જોકે, આ પ્રવુતિને વેગ આપવા અને ડ્રગ માફિયાઓ પર ગાળિયો કસવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન “સાગર મંથન” અમલમાં મૂક્યું છે. જેના પગલે મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે. જેમાં નવેમ્બર 2024માં ગુજરાતના પોરબંદરના દરિયા કિનારેથી એનસીબી અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશનમાં 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. તેમજ આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.