નેશનલ

પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા નરેન્દ્ર મોદીઃ ભાજપના નેતાએ નિવેદન આપતા વિવાદ સર્જાયો

નવી દિલ્હીઃ લોકસભામાં બજેટ સત્ર દરમિયાન બારગઢના સાંસદ પ્રદીપ પુરોહિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ જન્મ અંગે નિવેદન આપતા નવા વિવાદનું નિર્માણ થયું હતું. ભાજપના નેતા પ્રદીપ પુરોહિતે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પૂર્વ જનમમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા. આ નિવેદનને લોકસભાની સાથે સોશિયલ મીડિયામાં અનેક લોકો પોસ્ટ કરીને પ્રદીપ પુરોહિતની ટીકા કરી હતી.

છત્રપતિ શિવાજી મહારાજના વારસાનું અપમાન: કોંગ્રેસ

પ્રદીપ પુરોહિતે કહ્યું હતું કે તેઓ એક સંતને મળ્યાં હતાં, તે સંતે તેમને કહ્યું હતું કે પીએમ મોદી તેમના પૂર્વ જનમમાં છત્રપતિ શિવાજી મહારાજ હતાં. એટલું જ નહીં, પરંતુ પ્રદીપ પુરોહિતે કહ્યું કે પીએમ મોદી ખરેખર શિવાજી મહારાજનો અવતાર છે, જેમણે અત્યારે મહારાષ્ટ્ર અને દેશના વિકાસ માટે ફરી જન્મ લીધો છે.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…

આ નિવેદનનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. જોકે, આ નિવેદન કોંગ્રેસના કેટલાક નેતાઓને પસંદ આવ્યું નથી, કોંગ્રેસ નેતાઓ આ નિવેદનને છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને મહાનતાનું અપમાન ગણાવીને ટીકા કરી હતી. એટલું જ નહીં પરંતુ પ્રદીપ પુરોહિતે આ નિવેદન મામલે માફી માંગવી જોઈએ તેવી માંગ કરી હતી.

શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ નિવેદનનો વિરોધ કર્યો

આ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા વર્ષા ગાયકવાડે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે અખંડ ભારતના આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરવા અને મહારાષ્ટ્ર અને દુનિયાભરના શિવ પ્રેમિઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું ભાજપના નેતાઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેઓ શિવાજી મહારાજનું અપમાન કરી રહ્યા છે.

આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…

શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અને કહ્યું હતું કે ભાજપે આવા નેતાઓને કાબૂમાં રાખવાની જરૂર છે. પીએમ મોદીની છત્રપતિ શિવાજી મહારાજ સાથેની આ સરખામણી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

સોશિયલ મીડિયા પર લોકોએ આ નિવેદનનો વિરોધ કર્યો

સોશિયલ મીડિયામાં આ નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ નિવેદનને શિવાજી મહારાજનું અપનામ ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું કે, શું આ શિવાજી મહારાજનું અપમાન નથી? તેઓ સ્વરાજ્યના સ્થાપક હતા, કોઈ પક્ષના પ્રતીક નહોતા. શું બહાદુરી, બલિદાન અને વિચારધારાને રાજકારણ સાથે જોડવાથી તેમની મહાનતા મર્યાદિત નથી થતી?’

અગાઉ મોદીની મહાન વ્યક્તિઓ સાથે કરી હતી તુલના

મહત્વની વાત એ છે કે, આવું પહેલી વખત નથી થયું કે, જેમાં નરેન્દ્ર મોદીની તુલના કોઈ મહાન વ્યક્તિત્વ સાથે કરવામાં આવી હતી. આ પહેલા પણ 2020 માં છત્રપતિ શિવાજી મહારાજ અને 2014 માં સમ્રાટ અશોક સાથે તુલના કરવામાં આવી હતી.

2014 માં ભાજપના એમએલસી સુરજનાદનદે સમ્રાટ અશોકની 2,323મી જન્મજયંતિ દરમિયાન પીએમ મોદીની તુલના પ્રાચીન મૌર્ય સમ્રાટ સાથે કરી હતી. ત્યાર બાદ 2020માં ભાજપના નેતા જય ભગવાન ગોયલ દ્વારા લખાયેલ પુસ્તક “આજ કે શિવાજી: નરેન્દ્ર મોદી”ના વિમોચનથી રાજકીય વિવાદ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button