દેવભૂમિ દ્વારકામાંથી પોલીસે ગેરકાયદે ઘૂસેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી

દેવભૂમિ દ્વારકા: ગુજરાતના દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka)જિલ્લામાંથી એસઓજી પોલીસે ગેરકાયદે ઘૂસેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી હતી. રૂક્ષ્મણી માતાજીના મંદિર પાસેથી આ મહિલાઓ ઝડપાઈ હતી. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈકાર્ડ તેમજ મોબાઈલ નંબરો મળી આવ્યા હતાં. આ મહિલાઓ ક્યાંથી અને કેવી રીતે ભારતમાં પ્રવેશી છે તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો
પોલીસને બાતમી મળી હતી કે, રૂક્ષ્મણી મંદિરની પાછળના રોડ પર કેટલીક શંકાસ્પદ મહિલાઓ જોવા મળી છે. બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં આ મહિલાઓ ઝડપાઈ હતી. તેમની પાસે પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર, નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબરો મળી આવ્યા હતાં. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મહિલાઓએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય નામ ધારણ કરી લેતી હતી
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલાઓએ જેશોરથી બાંગા વચ્ચેની નદીનો ઉપયોગ કરી ઘુસણખોરી કરી હતી. દરેક મહિલાએ આ માટે લગભગ 25,000 રૂપિયા ચૂકવ્યા હતા. ભારતમાં આવ્યા બાદ તેઓ છૂટક મજૂરી કરતી અને ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી હતી.
આ પણ વાંચો: ભારતમાં 30 વર્ષથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી દંપતીની વાશીમાં ધરપકડ
કમાણી પશ્ચિમ બંગાળના એજન્ટને મોકલવામાં આવતી
મજૂરીમાંથી મળતી કમાણી પશ્ચિમ બંગાળના એજન્ટને મોકલવામાં આવતી હતી.એજન્ટ પોતાનું કમિશન કાપી બાકીની રકમ બાંગ્લાદેશમાં તેમના પરિવારને મોકલી આપતો હતો.પોલીસે તમામ મહિલાઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.