દેશમાં કોઇને પણ ગાય વિશે બોલવાની પરવાનગી નથીઃ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

નવી દિલ્હીઃ દેશમાં ગાયની રક્ષા વિશે વાત કરનારાઓને તાત્કાલિક રોકવામાં આવે છે, એમ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સોમવારે જણાવ્યું હતું.
ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્યએ દિલ્હી પોલીસે નરેલામાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યાલય તરફ આગળ વધતા અટકાવ્યા બાદ આ ટિપ્પણી કરી હતી. શંકરાચાર્યએ અગાઉ કહ્યું હતું કે તેઓ ૧૭ માર્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ રાજકીય પક્ષોના કાર્યાલયોની મુલાકાત લેશે અને ગૌહત્યા મુદ્દા પર ચર્ચા કરશે.
પોલીસ દ્વારા સીપીઆઇ કાર્યાલય તરફ જતા રસ્તાને અવરોધિત કર્યા બાદ શંકરાચાર્યએ કહ્યું કે આ દેશમાં કોઇને પણ ગાયના રક્ષણ વિશે બોલવાની પરવાનગી નથી. જો તમે આવું કરો છો તો તમને તાત્કાલિક રોકવામાં આવે છે…. હું આ વાત બધાના ધ્યાન પર લાવવા માંગુ છું.
શંકરાચાર્યએ જણાવ્યું કે તેઓએ પોલીસ ટ્રક વડે રસ્તો બ્લોક કરી દીધો છે. અમે તેમને(પોલીસને) વિનંતી કરી રહ્યા છીએ, પરંતુ તેઓ અમને આગળ વધવા દેતા નથી. ગાય રક્ષકો ચોક્કસપણે પોતાનો અવાજ ઉઠાવશે એમ તેમણે જણાવ્યું હતું.