વિજ્ઞાન અને ટેકનોલોજી

Chandrayaan-3 કરતાં Chandrayaan-5 કેટલું અલગ છે અને શું છે ખાસ?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હવે ચંદ્ર સંબંધિત પોતાના નવા મિશનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને કેન્દ્ર સરકારે આ જ અનુસંધાનમાં રવિવારે ભારતના ચંદ્રયાન-5 (Chandrayaan-5)ને મંજૂરી આપી દીધી છે. ચંદ્રયાન-4 બાદ ચંદ્રયાન-5 મિશનને 2028-29 સુધી લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે.

જોકે, આ મિશનની તારીખની જાહેરાત આગામી તબક્કાની તૈયારીઓ પૂરી થયા બાદ કરવામાં આવશે. હવે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આખરે ચંદ્રયાન-5 છે શું અને ઈસરોએ આ મિશનની શું-શું તૈયારીઓ કરી છે, આ મિશનની શું ખાસિયત છે અને આખરે ચંદ્રયાન-3 કરતાં એ કઈ રીતે અલગ છે?

ઈસરોએ ચંદ્રયાન-3ને બેંગ્લોરથી લોન્ચ કર્યું હતું અને વિક્રમ લેન્ડરે 23મી ઓગસ્ટ, 2023ના ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પાસે સેફ લેન્ડ કર્યું હતું. ચંદ્ર પર સેફ લેન્ડ કરનારા અમેરિકા, રશિયા,અને ચીન બાદ ભારત ચોથો દેશ બની ગયો હતો, જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનારો પહેલો દેશ બની ગયો હતો.

આપણ વાંચો: ISROએ વધુ એક ઝળહળતી સિદ્ધિ મેળવી; SPADEX મિશનનું અનડોકિંગ સફળ, જાણો શું છે મિશન

લેન્ડિંગના ત્રણ દિવસ બાદ એટલે કે 26મી ઓગસ્ટના આ પોઈન્ટને શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2નો આગળનો તબક્કો હતો જેને ચંદ્રમાની ધરતી પર ઉતરીને પરિક્ષણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3થી આપણને અનેક મહત્ત્વની માહિતીઓ મળી અને ચંદ્ર પર રહેલાં તત્વોની માહિતી મળી હતી.

હવે વાત કરીએ ચંદ્રયાન-5ની તો સ્પેસ એજન્સી ઈસરો અને જાપાનની સ્પેસ એજન્સી જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશનિ એજન્સીનું જોઈન્ટ વેન્ચર હશે. આ મિશનને લ્યૂનાર પોલાર એક્સ્પોરેશન એટલે કે લ્યુપેક્સ એવું નામ આપવામાં આવ્યું છે.

આ મિશનની સૌથી ખાસ વાત છે તેનું 250 કિલોગ્રામનું રોવર, જે ચંદ્રયાનના પ્રજ્ઞાન રોવરની સરખામણીએ 10 ગણું વધારે વજનદાર હશે. આ ભારે વજનનું કારણ હશે તેમાં રહેલી અત્યાધુનિક ટેક્નોલોજી જે ચંદ્રયાન-5 મિશનને દક્ષિણ ધ્રુવના અભ્યાસ માટે મહત્ત્વનું બનાવશે.

આપણ વાંચો: ISRO @100 : શું મિશન પડતું મૂકવું પડશે, જાણો શું કહ્યું સંસ્થાએ

ભારે રોવરની સાથે સાથે ચંદ્રયાન-5માં લેન્ડરનું વજન પણ વધારે હશે. ચંદ્રયાન-3ના લેન્ડરનું વજન બે ટન કરતાં ઓછું હતું જ્યારે ચંદ્રયાન-5માં લેન્ડરનું વજન 26 ટન જેટલું હશે. લેન્ડરનું વજન હળવું હોવાથી ચંદ્રયાનની ઉબડ-ખાબડ જમીન પર સરખી રીતે લેન્ડ ના થાય એનું જોખમ રહે છે. ભારે વજનને કારણે ચંદ્ર પર લેન્ડ કરતી વખતે સંતુલન જળવાઈ રહેશે.

ઈસરોના ફિઝિકલ રિસર્ચ લેબના નિર્દેશક અનિલ ભારદ્વાજે થોડાક સમય પહેલાં જ જણાવ્યું હતું કે દક્ષિણ ધ્રુવ પર આ મિશનને ઉતારવાનો હેતુ આ ક્ષેત્રમાં વસવાટની શક્યતાઓને તપાસવાનો છે. વાત જાણે એમ છે કે ચંદ્રનો આ હિસ્સો મોટાભાગે અંધારામાં રહે છે જેને કારણે અહીંનું તાપમાન માઈનસમાં જતું રહે છે.

આવી પરિસ્થિતિમાં અહીં માહોલ કેટલી હદે બગડી શકે છે અને અહીંની સપાટી પર પાણી અને બરફ મળવાની શક્યતાઓ વિશે પણ આ મિશનમાં અભ્યાસ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button