કચ્છ

કચ્છમાં બનેલી ખગોળીય ઘટનાથી સર્જાયું કુતુહલ: લોકો બ્રહ્નમુહુર્તે જાગ્યા…

ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં એક તરફ ભૂકંપના કંપનોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સોમવારે વહેલી પરોઢિયે ૩ અને ૧૨ કલાકે કચ્છના આકાશમાં તેજ લિસોટા જોવા મળતા, આ રણપ્રદેશમાં ઉલ્કા પડી હોવાના પ્રાથમિક સંકેતો મળી રહ્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે કચ્છના ધ્રંગ અને લોડાઇ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ અચાનક આંખો આંજી નાંખતા પ્રકાશના લિસોટા જોયા હતા અને આ લિસોટા સામસામા ‘વી’ શેપમાં પરિવર્તિત થઈને અવકાશમાં ઓઝલ થઇ ગયા હતા.

Also read : કચ્છની કેસર કેરીનો સ્વાદ બનશે દોહ્યલો? કચ્છમાં ખરાબ વાતાવરણથી ખરી રહ્યો છે મોર-ખેડૂતોમાં ચિંતા

આ તેજ પ્રકાશપુંજના વિરલ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં ઝડપાઇ જતાં ગ્રામજનોની આ વાતને સમર્થન મળવા પામ્યું છે. કચ્છના જાણીતા ખગોળ શાસ્ત્રી નરેન્દ્રભાઈ ગોર ‘સાગર’ના જણાવ્યા પ્રમાણે, આ પ્રચંડ પ્રકાશપુંજ બે સીધી લીટીના સ્વરૂપમાં ‘વી’ શેપમાં પ્રકાશપુંજ ફેલાવાની સાથે અદ્રશ્ય થઇ જતાં આ વિસ્તારમાં ઉલ્કા પડી હોવાની સંભાવના ઉભી થવા પામી છે તેથી આ વિસ્તારમાં જો તેના કોઈ અવશેષ મળે તો તેને શોધવાની કામગીરી સ્થાનિક લોકોના સહકારથી શરૂ કરી દેવાઈ છે.

આ વિસ્તારના પૈયા, નાના વરનોરા, મોટા વરનોરા સહિતના ગામોમાં લોકોએ આ પ્રકાશપુંજોને નરી આંખે નિહાળ્યા હતા અને ત્યારબાદ કુતુહલવશ લોકો જાણે બ્રહ્નમુહૂર્તમાં જ જાગી ગયા હતા. આ ઉપરાંત પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોઈ,મુસ્લિમ બિરાદરોની વસ્તીવાળા આ ગામોમાં લોકો જાગતા હતા જેથી મોટી સંખ્યામાં તેઓએ આ ઘટના નિહાળી છે. બન્ની-પચ્છમના ગામોમાં ખુલ્લામાં નિંદ્રાધીન લોકોએ પણ આ વિરલ ઘટના નિહાળી હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે સૌરાષ્ટ્રના જામનગર સહિતના વિસ્તારોમાં તેમજ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકાશપુંજો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં તેમજ ગુજરાતમાં ઉલ્કાવર્ષા થઇ હોવાનો આ પહેલો બનાવ નથી. આજથી લગભગ પાંચ દાયકા પૂર્વે જાન્યુઆરી ૧૯૭૬ના આ પ્રકારની ઉલ્કાવર્ષા સુરેન્દ્રનગર પાસેના ધજાડા ખાતે થવા પામી હતી, જયારે વર્ષ ૧૯૯૮માં બંદરીય માંડવી અને મુંદરા વચ્ચે પણ ઉલ્કાવર્ષા થઇ હતી, જયારે વર્ષ ૨૦૦૪માં આ પ્રકારની ઉલ્કા કચ્છમાં પણ નોંધાઈ હતી.

Also read : કચ્છમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો; 15 વર્ષમાં 885 ગીધ ઘટયા

જયારે છેલ્લે ઓગસ્ટ ૨૦૦૬ માં આવી ઘટના કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામમાં નોંધાઈ હતી અને તેના ટુકડા કે જેને ‘મેટાલિક માસ’ પણ કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા સુરાજબારી પૂલ તેમજ વાંઢીયા ગામ પાસેથી મળી આવ્યા હતા.
દરમ્યાન, આ ઉલ્કા પડવાની ખગોળીય ઘટનાથી કચ્છમાં ભારે કુતુહુલ ફેલાયું છે, જો કે આ ઉલ્કા પડી હતી કે કોઈ અન્ય ખગોળીય નજારો હતો તેનું સમર્થન મળતાં હજુ થોડો સમય લાગી શકે છે તેમ જાણવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button