ધર્મતેજ

મનનઃ સર્વકાલ રામ સ્મરણ- સત્સંગ એક અદ્ભુત અને મહાન ઘટના છે

-હેમંત વાળા

સતત રામ સ્મરણ થવું જોઈએ. સતત શ્રી રામના ચરણકમળનું ધ્યાન ધરાવું જોઈએ. સતત મનન-ચિંતન શ્રીરામ લક્ષી હોવું જોઈએ. ચિત્તમાં હંમેશાં શ્રીરામની છબી અંકિત થયેલી રહેવી જોઈએ. જો અહંકાર હજુ શેષ વધ્યો હોય તો તે શ્રીરામ સમર્પિત હોવો જોઈએ. આગળ-પાછળ, ઉપર-નીચે, ડાબે-જમણે, દરેક સ્થાને શ્રીરામના દર્શન થવા જોઈએ. ભૂત, વર્તમાન, ભવિષ્ય, પ્રત્યેક વાસ્તવિક તેમ જ કાલ્પનિક કાલખંડમાં શ્રીરામના અસ્તિત્વની જ પ્રતીતિ થવી જોઈએ. અંદર બહાર મધ્યે અને સર્વત્ર જે શ્રીરામની આણ પ્રવર્તે છે તેની ખાતરી હોવી જોઈએ. દ્રષ્ટા દર્શન અને દૃશ્યમાં શ્રીરામના જ સ્વરૂપ દેખાવા જોઈએ. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે વ્યક્તિના જીવનમાં સત્સંગનો પ્રવેશ થાય. સત્સંગ સત્પુરુષનો હોઈ શકે, ગુરૂદેવનો હોઈ શકે, ઈશ્વરના અન્ય કોઈ આકસ્મિક પ્રતિનિધિ સાથે હોઈ શકે, શાસ્ત્રનો હોઈ શકે, સૃષ્ટિના સમીકરણ સાથેનો હોઈ શકે અને અહિંસક પ્રાણી સાથે પણ હોઈ શકે. નાનું બાળક પણ સત્સંગની કેટલીક પ્રાથમિક બાબતો દર્શાવી શકે.

સત્સંગને કારણે ઘણા ગુઢ રહસ્ય ઉજાગર થઈ શકે. તેનાથી કર્મ અને કર્મફળના સિદ્ધાંત જાણમાં આવે, સૃષ્ટિના ચાલક નિયમો સમજમાં આવે, ઈશ્વરના અસ્તિત્વ માટે વિશ્વાસ જાગ્રત થાય, સૃષ્ટિમાં પ્રવર્તમાન ન્યાય માટે શ્રદ્ધા જાગે, કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ સમજમાં આવે, પોતાની રુચિ અનુસારના કોઈ ચોક્કસ માર્ગ માટે માર્ગદર્શન મળી રહે, ઈચ્છાશક્તિ દ્રઢ બની શકે અને આ બધા સાથે અંતિમ સ્થાને પહોંચવાની ખાતરી પણ મળે. સત્સંગ એક અદ્ભુત અને મહાન ઘટના છે જે લક્ષ્ય-સ્થાપન અને પ્રવાસ બંનેમાં અગમ્ય રીતે સહાયભૂત થઈ શકે.

Also read: ચિંતન : ઇતિહાસમાં એવી બે જ ઘટના છે કે જેમાં યમરાજનો ભેટો કોઈ દેહધારી સાથે થાય છે

શ્રી કાકભુશુણ્ડિ ઋષિની વાતમાં શિવજી શ્રીરામ મહિમા માટેની વાત કરે છે. જેહિ મહું આદિ મધ્ય અવસાના દ્વારા એમ જાણવામાં આવે છે કે આદિ મધ્ય અને અંતમાં પ્રતિપાદન તો ભગવાન શ્રી રામચંદ્રજીનું જ થતું હોય છે. સંતો દ્વારા જે શ્રી હરિકથાનું પઠન-શ્રવણ કરવામાં આવે છે તેના કેન્દ્રમાં શ્રીરામ હોય છે. તેમની કથાના સાંનિધ્યમાં બધા જ સંદેશ અને સંશય નાશ પામે છે. આ માટે લાંબા સમયનો સત્સંગ જરૂરી છે. જેટલા સમય સુધી સત્સંગ વધુ થશે તેટલા સમય શ્રીરામનું સ્મરણ વધતું જાય.

શ્રીહરિ કથા સત્સંગને કારણે સાંભળવા મળી શકે. પરમ જ્ઞાની તથા કથાકાર જે તે આધ્યાત્મિક પરિસ્થિતિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરી શકે. આવી શ્રી હરિ કથાના શ્રવણથી જ મોહ, લોભ, કામ, ક્રોધ ક્રમશ: નાશ પામે અને શ્રી રામચંદ્રજીના ચરણમાં દ્રઢ અનુરાગ ઉત્પન્ન થાય. આધ્યાત્મિક વિશ્વમાં યોગ, તપ, જ્ઞાન, વૈરાગ્ય જેવાં સાધનોનું પણ મહત્ત્વ છે. પણ આ બધા સાથે જો સત્સંગ જોડાય તો પ્રવાસ સરળ પણ બને અને સફળ બનવાની સંભાવના પણ વધી જાય. સત્સંગ દ્વારા જે હરિકથાનું અમૃત કાનમાં પ્રવેશે તેનાથી મનનું શુદ્ધિકરણ પણ થતું હોય છે.

હરિકથા માટે, સત્સંગ માટે સત્પુરુષ- સદગુરુનું સાનિધ્ય જરૂરી છે. આવી વ્યક્તિની હાજરીમાં સંશયનો ઉકેલ તથા જરૂરી માર્ગદર્શન મળતાં રહે, જે માર્ગે પ્રવાસ કરવાનો છે તે માટે સ્પષ્ટતા રહે, માર્ગમાં આવનારી સંભવિત મુશ્કેલી માટે પ્રથમથી ચેતવણી મળી જાય અને બચાવ માટેની પદ્ધતિઓ માટે પણ જાણ કરવામાં આવે. તે બધા સાથે સત્સંગથી મનનો ભટકાવ અટકે, મન ચોક્કસ કાર્યહેતુ માટે કેન્દ્રિત થાય, શુદ્ધ સાત્વિક અને પવિત્ર બાબતોમાં સમગ્ર અસ્તિત્વ પરોવાયેલું રહે, ઇચ્છિત પરિણામ માટે વિશ્વાસ જાગ્રત થાય,

સૃષ્ટિના સમીકરણોમાં શ્રદ્ધા જાગે, ઈશ્વરના ન્યાય માટે કોઈપણ પ્રકારની શંકા ન રહે અને યોગ્ય સમય થયે ઈશ્વર હાથ પકડશે જ એની ખાતરી
થાય.

સત્સંગ થકી જીવનમાં શ્રી રામચંદ્રજી આદર્શ અને મર્યાદાના પ્રતીક તરીકે સ્થાપિત થાય. સત્સંગ થકી શ્રી રામચંદ્રજીના જીવનને આધારે જે સિદ્ધાંતો સ્થાપિત થાય તે ધ્યાનમાં આવે અને તે પ્રમાણે અનુસરણ કરવાની પ્રેરણા મળે. સત્સંગ થકી તકલીફ માટેની સ્વીકૃતિ વધતી જાય, એ સમજમાં આવે કે જો શ્રી રામચંદ્રજીના જીવનમાં પણ તકલીફો આવતી હોય તો આપણે તો સામાન્ય માનવી છીએ. પછી તકલીફ તકલીફ ન જણાય. પછી મુશ્કેલી પણ એક સામાન્ય ઘટના બની રહે. પછી પ્રત્યેક અડચણનું નિરાકરણ આપમેળે દેખાવા માંડે. પછી પ્રત્યેક પરિસ્થિતિ આશીર્વાદ સમાન જણાય. સત્સંગ એક અનેરી ઘટના છે.

સત્સંગને કારણે ચિત્તની શુદ્ધિ થાય. આમ થતાં ચારે તરફ શ્રીરામની અનુભૂતિ થાય, શ્રી રામના જીવનના મૂલ્યો સમજમાં આવે, શ્રી રામના આદર્શ પાળવા માટે પ્રોત્સાહન મળે, કૌટુંબિક તેમ જ સામાજિક સંબંધોમાં શ્રીરામના સિદ્ધાંતોનું અનુકરણ કરવાની પ્રેરણા મળે, અને ચારે તરફ જાણે શ્રીરામનો પ્રસાર થઈ રહે. સત્સંગને કારણે શ્રી રામની જે બાબતો ઉજાગર થાય એ બાબતો જાણે સર્વત્ર પ્રસરી રહે.

સનાતનની સંસ્કૃતિમાં સત્સંગનું મહત્ત્વ ઘણું ઊંચું છે. સત એટલે સત્ય અને સંગ એટલે તેની સાથેનું જોડાણ. સત્સંગને કારણે સત્ય અને ધર્મ સાથેનું જોડાણ સહજતાથી ઊભું થઈ શકે છે.શ્રી કાકભુશુણ્ડિ જેવા મહાત્માએ પણ સત્સંગના મહત્ત્વને સમજાવવા પ્રયત્ન કર્યો છે. શુકદેવજી પણ આ માટે પોતાની રીતના પ્રયત્નો ચાલુ રાખે છે. સનતકુમાર પણ સત્સંગને એક યોગ્ય માધ્યમ તરીકે સ્થાપિત કરે છે.

Also read: કોઈ પણ સર્જન ‘શક્તિ’ સિવાય અશક્ય છે…

પુરાણોમાં પણ સત્સંગનું મહાત્મ્ય દર્શાવતી દ્રષ્ટાંત કથા વણાયેલી છે. પ્રાચીન મહર્ષિઓથી શરૂ કરીને અત્યારના ભક્ત કવિઓએ પણ સત્સંગના મહત્વ વિશે વાત કરી છે. સાંપ્રત સમયમાં પણ કેટલાંક યોગ્ય અને જ્ઞાની મહાત્માઓ સત્સંગ ના સિદ્ધાંતને આગળ વધારે છે. સત્સંગને કારણે જ ઈશ્વરની, સૃષ્ટિની, સર્જનની અને સંભવિત પ્રલયની વાસ્તવિકતા જાણમાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button