પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા પર થઈ ઓળઘોળ, જાણો શું કર્યું?

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાના પતિ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં રાઘવ ચઢ્ઢાએ એક કાર્યક્રમમાં મહેમાન તરીકે ભાગ લીધો હતો. પતિની આ સિદ્ધિ ઉપર પરિણીતી ઓળઘોળ થઇ ગઈ છે. આ વખાણ વચ્ચે પરિણીતી ચોપરાનો એક જૂનો ઈન્ટરવ્યૂ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પરિણીતી કહેતી જોવા મળે છે કે તે ક્યારેય કોઈ રાજનેતા સાથે લગ્ન નહીં કરે.
આ પણ વાંચો: પરિણીતી ચોપરા નવા અંદાજમાં ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર, જાણો નવી જાહેરાત
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી (આપ)ના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ રાજકારણમાં યુવા નેતા છે. સંસદમાં ભાષણ આપતા હોય કે આંતરિક રાજકારણ, દરેક બાબતમાં ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપવા માટે રાઘવ ચઢ્ઢા જાણીતા છે. તાજેતરમાં રાઘવ ચઢ્ઢાને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
રાઘવ ચઢ્ઢા હાર્વર્ડ યુનિવર્સિટી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. રાઘવે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી અને તેને ગૌરવની ક્ષણ ગણાવી હતી. પતિ રાઘવની આ સિદ્ધિ પર અભિનેત્રી પરિણીતી ચોપરા પણ ખુશીથી ઉછળી પડી હતી. પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરીને રાઘવના વખાણ કર્યા છે.
આ પણ વાંચો: શું લગ્ન બાદ મુશ્કેલીમાં છે પરિણીતી ચોપરા…? કરી એવી પોસ્ટ કે….
પતિના વખાણ વચ્ચે પરિણીતીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરિણીતી તેના કોસ્ટાર અર્જુન કપૂર સાથે તેની ફિલ્મના પ્રમોશન માટે સિદ્ધાર્થ કાનનના શોમાં પહોંચી હતી. અહીં જ્યારે શોના હોસ્ટ તેને લગ્નની પસંદગી વિશે પૂછે છે, ત્યારે પરિણીતીએ ખૂલીને જવાબ આપ્યો હતો. પરિણીતી એ પણ જણાવે છે કે તેને કેવો પતિ જોઈએ છે. પરિણીતીએ કહ્યું હતું કે જે તેનું સન્માન કરે તેવી વ્યક્તિ તેને ખૂબ જ આકર્ષક લાગે છે.
ઉપરાંત, જ્યારે પરિણીતીને પૂછવામાં આવ્યું કે શું તે રાજકીય કારકિર્દી ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન કરશે. તો તેના જવાબમાં પરિણીતી ચોપરાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે હું ક્યારેય કોઈ રાજકારણી સાથે લગ્ન નહીં કરું. હવે રાજકારણી પતિના જોરદાર વખાણ કરતી પરિણીતીનો આ જૂનો વીડિયો જોઈને લોકો ખૂબ મજા લઇ રહ્યા છે!