નવી મુંબઈ એરપોર્ટના ઉદ્ધાટન અંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કરી મહત્ત્વની વાત…

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભારણ ઓછું કરવા વિકલ્પ રૂપે તૈયાર થઇ રહેલું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જૂન ૨૦૨૫માં કાર્યરત થવાની અપેક્ષા છે. નવનિર્મિત એરપોર્ટ વિકસિત કરી રહેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે આ અંગે જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની સાઈટની મુલાકાત લીધા પછી જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: ખુશખબરઃ નવી મુંબઈ એરપોર્ટની ભેટ ‘આ’ મહિનામાં મળશે, જાણો નવી અપડેટ
એરપોર્ટના કાર્યની પ્રગતિથી પ્રભાવિત થયા
આ દરમિયાન તેમણે એરપોર્ટમાં ચાલી રહેલી તમામ ગતિવિધિઓ જોઈ અને દરેક બાબતની વિગતવાર માહિતી લીધી. ગૌતમ અદાણીના આગમન પર અદાણી એરપોર્ટની ટીમે તેમનું સ્વાગત કર્યું હતું અને તમામ માહિતી વિગતવાર આપી હતી. ગૌતમ અદાણી એરપોર્ટના કાર્યની પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
સોશિયલ મીડિયા પર આપી મહત્ત્વની માહિતી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આ વિશે માહિતી આપતા ગૌતમ અદાણીએ કહ્યું કે, “ભારતના ઉડ્ડયન ભવિષ્યની ઝલક!” તેમણે આગળ લખ્યું કે, આજે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના સ્થળની મુલાકાત લીધી. વિશ્વ કક્ષાનું એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. આ જૂનમાં ઉદ્ઘાટન થવાનું છે, તે કનેક્ટિવિટી અને ગ્રોથને ફરીથી વ્યાખ્યાયિત કરશે. ભારતને સાચી ભેટ! આ વિઝનને સાકાર કરવા બદલ અદાણી એરપોર્ટની ટીમ અને ભાગીદારોને અભિનંદન.
આ પણ વાંચો: મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
મુંબઈના એરપોર્ટથી 35 કિલોમીટર અંતરથી દૂર છે
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અદાણી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે, જે આમરા માર્ગ અને નેશનલ હાઈવે ૪બ વચ્ચે આવેલું છે અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી અંદાજે ૩૫ કિલોમીટર દૂર છે. વધુમાં, દક્ષિણ મુંબઈના વિસ્તારો ગેટવે ઓફ ઈન્ડિયાથી તેનું અંતર, ૪૯ કિલોમીટર અને વરલીથી ૪૩ કિલોમીટર છે. એનએમઆઈએ મુંબઈના અંધેરી વિસ્તારથી ૪૯ કિલોમીટર દૂર છે અને મીરા રોડ વિસ્તારથી ૫૬ કિલોમીટર દૂર છે, જે મુંબઈની જાહેર પરિવહનની કનેક્ટિવિટી માટે મહત્ત્વનું સાબિત થશે.
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું એરપોર્ટ હશે
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની બીજી વિશેષતા એ હશે કે તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશનું સૌથી મોટું એરપોર્ટ હશે. એનએમઆઈએનું ક્ષેત્રફળ ૧૧૬૦ હેક્ટર એટલે કે ૨૮૬૬.૪ એકર એટલે કે ૧૧.૬ ચોરસ કિલોમીટર છે તેની સરખામણીમાં મુંબઈના હાલના સીએસએમઆઈએનો કુલ વિસ્તાર ૭૫૦ હેક્ટર એટલે કે ૧૮૫૩.૩ એકર એટલે કે ૭.૫ ચોરસ કિલોમીટર છે.