હાઈ કોર્ટના આદેશ પછી સંભલમાં જામા મસ્જિદને રંગવાનું કામ શરૂ

સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદની બહારની દીવાલને રંગરોગાન કરવાનું કામ રવિવારે સવારે શરૂ થઇ ગયું હતું, એમ મસ્જિદ પક્ષના એક વકીલે માહિતી આપી હતી. અલાહાબાદ હાઇ કોર્ટે ૧૨ માર્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ)ને એક અઠવાડિયાની અંદર મસ્જિદને રંગવાનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હાઇ કોર્ટના આદેશ બાદ એએસઆઇની એક ટીમે ૧૩ માર્ચના રોજ માપ અને મૂલ્યાંકન કર્યું હતું. સંભલ જિલ્લા કોર્ટમાં મસ્જિદ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વકીલ શકીલ વારસીએ જણાવ્યું કે સંભલમાં શાહી જામા મસ્જિદની બહારની દિવાલને રંગવાનું કામ રવિવારે શરૂ થઇ ગયું હતું.
આ પણ વાંચો: યુપીમાં સંભલની મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવશે, ‘આ’ કારણસર લેવાયો નિર્ણય
શાહી જામા મસ્જિદના પ્રમુખ ઝફર અલીએ જણાવ્યું કે સવારે ૯ વાગ્યાની આસપાસ રંગરોગાન કરવાનું કામ શરૂ થયું હતું. બહારની દીવાલને રંગવાનું કામ ચાલી રહ્યું છે. હાલમાં ૯-૧૦ કામદારો રંગરોગાનના કામમાં રોકાયેલા છે.
તેમણે કહ્યું કે જો કામ ચાર દિવસમાં પૂર્ણ કરવું હોય તો લગભગ ૨૦ મજૂરોની જરૂર પડશે. જ્યારે પૂછવામાં આવ્યું કે મસ્જિદની બહારની દિવાલ પર ક્યો રંગ લગાવવામાં આવશે તો અલીએ જણાવ્યું કે અમે તે રંગોનો ઉપયોગ કરી રહ્યા છીએ જે સેંકડો વર્ષોથી ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. અમે સફેદ, લીલો અને આછા સોનેરી રંગોનો ઉપયોગ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે ગયા વર્ષે ૨૪ નવેમ્બરના રોજ મુઘલ યુગની શાહી જામા મસ્જિદના સર્વેક્ષણ બાદ ફાટી નીકળેલા રમખાણો બાદથી સંભલમાં તણાવ છે. આ અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા અને પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.