અનંત-રાધિકાના લગ્ન પછીની પહેલી હોળીની અંબાણી પરિવારે કરી ભવ્ય ઉજવણી, કોણ રહ્યું હતું હાજર?

મુંબઈઃ અંબાણી પરિવારના ઘરમાં પ્રસંગ હોય અને તે ભવ્ય ના હોય એવું બને જ કેવી રીતે? નાનામાં નાની ઉજવણી પણ ભવ્યાતિભવ્ય રીતે કરવા માટે અંબાણી પરિવાર જાણીતો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછીની પહેલી હોળીમાં પણ અંબાણી પરિવાર ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રવધૂની હોળી રમતા તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
ઈશા અંબાણી અને શ્લોકા મહેતા અંબાણી પણ રંગોમાં ડૂબેલા જોવા મળ્યા હતા. ૧૪મી માર્ચે ઈશા અંબાણીએ અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બોલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર અને અનંત અંબાણી પણ સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. અંબાણી પરિવારની ભવ્ય હોળી પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ હતી.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હવે આ પાર્ટીમાંથી અનંત-રાધિકાનો હોળી સેલિબ્રેટ કરવાનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ તેમના સમગ્ર પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરતા જોવા મળે છે. બીજા વીડિયોમાં અનંત અંબાણી અને જ્હાનવી કપૂર એકબીજાને રંગ લગાવતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો…એક્સ વાઈફ કહેશો નહીંઃ રહેમાનની તબિયત લથડ્યા પછી સાયરા બાનોએ કરી અપીલ
અનંત-રાધિકા ઉપરાંત ઈશા અંબાણી અને શ્લોકા મહેતા અંબાણી પણ તેમના મિત્રો સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. ઈશા અને શ્લોકા બાળપણના મિત્રો છે જેઓ હવે આકાશ અંબાણીની પત્ની છે અને ઈશાની ભાભી બની છે. અંબાણી પરિવારની હોળી પાર્ટીમાં, નણંદ ઈશા અંબાણી અને તેની ભાભી શ્લોકા મહેતા વચ્ચે ખૂબ જ સુંદર બોન્ડિંગ જોવા મળ્યું હતું.
અહીં એ જણાવવાનું કે એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ૧૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં ૩ દિવસ સુધી ફંક્શન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે લગ્ન, બીજા દિવસે શુભ આશીર્વાદ અને ત્રીજા દિવસે મંગલ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં યોજાનાર સૌથી ભવ્ય લગ્નોમાંથી એક અનંત અને રાધિકાના લગ્ન હતા, જે ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું અદભૂત સંયોગનું નિર્માણ કર્યું હતું.