આમચી મુંબઈ

ન્યૂ ઈન્ડિયા બૅંક કૌભાંડ, મહિનાથી ફરાર આરોપી અરુણાચલમ પોલીસને શરણે

ઉચાપતની રકમમાંથી અરુણાચલમને 30 કરોડ રૂપિયા મળ્યાનો પોલીસનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર આરોપીએ આખરે આર્થિક ગુના શાખા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસના કથિત મુખ્ય આરોપી હિતેશ મહેતા દ્વારા બૅંકની ઉચાપતની રકમમાંથી 30 કરોડ રૂપિયા આરોપી સુધી પહોંચતા કરવામાં આવ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

આર્થિક ગુના શાખાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ રવિવારની સવારે શરણે આવેલા આરોપી અરુણાચલમ ઉલ્લાહનાથન મારુથુવર (62)ની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 18 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.

બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યા પછી આર્થિક ગુના શાખાએ તપાસ હાથ ધરી હતી. બૅંકના ભૂતપૂર્વ જનરલ મૅનેજર અને એકાઉન્ટ્સના હેડ હિતેશ મહેતાની ધરપકડ કરવામાં આવ્યા પછી તેની પૂછપરછમાં અરુણાચલમનું નામ સામે આવ્યું હતું. પોલીસ છેલ્લા એક મહિનાથી તેને શોધી રહી હતી.

ફરાર અરુણાચલમની શોધ માટે આર્થિક ગુના શાખાના અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. દેશના વિવિધ ભાગોમાં પોલીસ તેની શોધ ચલાવી રહી હતી, પરંતુ તે પોલીસને હાથ લાગ્યો નહોતો. મુખ્ય આરોપી હિતેશ મહેતાએ બૅંકની ઉચાપતની રકમમાંથી 30 કરોડ રૂપિયા અરુણાચલમને આપ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.

આ કેસમાં ધરપકડ કરાયેલો અરુણાચલમ છઠ્ઠો આરોપી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે તેના પુત્ર મનોહરની પણ અગાઉ ધરપકડ કરી હતી. પિતા અરુણાચલમને ભગાડવામાં મદદ કરવાનો મનોહર પર આરોપ હતો.

આ પણ વાંચો…ફેસબૂક પર સુસાઈડ નોટ પોસ્ટ કરી આશ્રમ શાળાના શિક્ષકનો આપઘાત

પોલીસે આ કેસમાં શનિવારે દહિસરના સિવિલ કોન્ટ્રાક્ટર કપિલ દેઢિયાની ગુજરાતના વડોદરા શહેરમાંથી ધરપકડ કરી હતી. દેઢિયાના બૅંક ખાતામાં કૌભાંડની રકમમાંના 12 કરોડ રૂપિયા જમા થયા હોવાનું પોલીસે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button