પ્રવાસમાં પરિવારજનો ખેલાડીની સાથે હોવા જોઈએ કે નહીં એ મુદ્દે કોહલીની જોરદાર ટકોર, મહત્ત્વના નિવેદનો આપ્યા

બેન્ગલૂરુઃ ક્રિકેટ પ્રવાસ દરમ્યાન (ખાસ કરીને વિદેશ પ્રવાસમાં) પોતાના પરિવારના મેમ્બર્સની હાજરી હોય તો ખેલાડીને તંગ અને મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક રીતે કેટલો બધો ટેકો મળે એ વાત અમુક લોકોને નથી સમજાતી, એવું વિરાટ કોહલીએ બીસીસીઆઇના નવા નિયમ વિશેની ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું.
તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ 1-3થી ટેસ્ટ સિરીઝ હારી ગઈ એને પગલે બીસીસીઆઇએ નિયમ બનાવ્યો હતો કે `ટૂંકા પ્રવાસમાં ખેલાડીઓ સાથે તેમની પત્ની-બાળકો કે ગર્લફ્રેન્ડ કે પરિવારના મેમ્બર્સ નહીં જઈ શકે. જો ટૂર 45થી વધુ દિવસની હશે તો પ્લેયરો સાથે તેમના પરિવારજનો કે ગર્લફ્રેન્ડ 14 દિવસથી વધુ નહીં રહી શકે.’
તાજેતરમાં ચૅમ્પિયન્સ ટ્રોફી વખતે કોહલી ઉપરાંત રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી તેમના પરિવારજનોને દુબઈના પ્રવાસે પોતાની સાથે લઈ ગયા હતા. જોકે પરિવારજનો એ ખેલાડીઓની સાથે ટીમની હોટેલમાં નહોતા રહ્યા અને તેમનો બધો ખર્ચ બીસીસીઆઇએ નહીં, પણ ખુદ ખેલાડીઓએ ભોગવ્યો હતો.
અનુષ્કા શર્મા ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન વારંવાર દુબઈના સ્ટૅન્ડમાં જોવા મળતી હતી. રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા તથા પુત્રી નિધ્યાના પણ દુબઈ આવી હતી અને ફાઇનલની જીત બાદ મોહમ્મદ શમીએ તેના મમ્મીને મેદાન પર બોલાવ્યા હતા ત્યારે વિરાટ કોહલી તેમને પગે લાગ્યો હતો અને તેમની સાથે હળવી વાતચીત કરી હતી.
પ્રવાસ દરમ્યાન પરિવાર પોતાની સાથે જ હોય તો ખેલાડીને માનસિક રીતે ઘણો લાભ મળે. પીટીઆઇના અહેવાલ મુજબ કોહલીએ બેન્ગલૂરુ ખાતે આરસીબીની એક ઇવેન્ટ દરમ્યાન કહ્યું હતું કે `પ્રવાસ દરમ્યાન મને રૂમમાં એકલા જઈને ઉદાસ બેઠા રહેવું જરાય ન ગમે. એને બદલે જો પરિવારના સભ્યો સાથે આવ્યા હોય તો મનને ઘણી રાહત મળે. ખેલાડીના જીવનમાં ફૅમિલીની ભૂમિકા કેટલી બધી મહત્ત્વની હોય છે એ (અમુક) લોકોને સમજાવવું મુશ્કેલ છે. માનસિક રીતે થાકી ગયા હોઈએ કે મન એકદમ તંગ થઈ ગયું હોય કે મન પર કોઈ પ્રકારની ઉદાસીનતા છવાઈ ગઈ હોય તો એ સમયે પરિવાર જો નજીક હોય તો ઘણો ફાયદો થાય. પ્લેયર આવી સ્થિતિમાંથી બહુ જલદી બહાર આવી શકે જો પરિવારજનો તેની નજીકમાં હોય. ખેલાડીના જીવનમાં પરિવારનું કેટલું બધુ મૂલ્ય છે એ અમુક લોકોને નથી સમજાતું. ખેલાડી ઉદાસ થઈ ગયો હોય અને એકલો રૂમમાં જઈને બેસી રહે એને બદલે જો પરિવારજનોની વચ્ચે રહે તો પછીથી મેદાન પરની પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે.’
આ પણ વાંચો…ટિમ રૉબિન્સનની ગજબની કરતબ, શાદાબનો કૅચ આબાદ ઝીલીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું
36 વર્ષીય કોહલીએ એવું પણ કહ્યું હતું કે
પરિવાર સાથે સમય વીતાવવાની એકેય તક હું ચૂકતો નથી. મને દુઃખ એ વાતનું છે કે ખેલાડીઓ સાથે પ્રવાસમાં પરિવારજનોએ રહેવું જોઈએ કે નહીં એવા વિષય પરની ચર્ચામાં જેમને કંઈ લાગતું વળગતું ન હોય એવા લોકોને સામેલ કરવામાં આવતા હોય છે. તમે કોઈ પણ ખેલાડીને પૂછશો કે શું તું ઇચ્છે છે કે તારો પરિવાર હંમેશાં તારી આસપાસ રહે? એના જવાબમાં એ ખેલાડીનો જવાબ `હા’માં જ હશે.