રાજકોટમાં જિલ્લાસ્તરે ભાજપમાં ‘વિખવાદ’: ‘લેટરબોમ્બ’થી રાજકારણમાં ગરમાવો

રાજકોટ: રાજકોટમાં વધુ એક વખત રાજકીય ગરમાવો સર્જાયો છે. રાજકોટ જિલ્લા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં આંતરિક જૂથવાદ વકરી રહ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બનાં ધમાકાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ વાયરલ થયેલા લેટર મામલે પોલીસે ભાજપનાં નેતાઓને ઉપાડી લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રવિ માકડિયા વિરુદ્ધ વાઇરલ લેટર
પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારથી આંતરિક વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો લેટર અન્ય ઘણા લોકો સુધી પહોંચ્યો હતો અને મામલે ભાજપનાં અન્ય નેતાઓને ટૉર્ચર કરવામાં આવતો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. અશોક લાડાણીએ આરોપ કર્યો છે કે લેટર મામલે પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હતી અને તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…પક્ષ વિરોધીઓની ક્યારે થશે હકાલપટ્ટી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આપ્યા સંકેતો…
જિલ્લાનાં આગેવાનોનાં કહેવાથી કનડગત
વાઇરલ થયેલા લેટર મામલે અશોક લાડાણીએ આરોપ કર્યો હતો કે તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને માનસિક ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં એક મેસેજ મને મળેલો અને તે બાબતની તપાસ માટે કોઈ પણ પ્રકારની જાણ વિના પોલીસ તેમના ઘરે પહોંચી હતી. ત્યાંથી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે જિલ્લાનાં આગેવાનોનાં કહેવાથી કનડગત કરવામાં આવી રહી છે.