આજે આટલું જ: ધમ્મમ શરણં ગચ્છામિ

-શોભિત દેસાઈ
મજા આવી. 3 સપ્તાહ સુધી તમને ભગવાન બુદ્ધની ઓશોવાણીને વાચા આપતી એમના અનુયાયીની ભાષા પહોંચાડવાની બહુ મજા આવી.
एस धम्मो सनंतनो નામની બુદ્ધ ઉપર 120 વ્યાખ્યાનની શ્રેણી મારા હિસાબે ઓશોનું જગતને બહુ મોટું પ્રદાન છે. મને આ શ્રેણી સૂચવવા બદલ ભાવના શાહ અને મોરારીબાપુનો હું 100% આજીવન ઋણી છું અને રહીશ. બુદ્ધ પણ કમાલના ભગવાન છે ને! માણસના મનમાંથી ભગવાનનો ક્ધસેપ્ટ જ કાઢી નાખ્યો. માણસ ખુદને જ ભગવાન બનવા સુધી લઈ જાય એ બુદ્ધની શીખ. જગતનાં બાકીનાં બધાં પરમાત્માસ્વરૂપોએ સુખનો માર્ગ ચીંધ્યો, બુદ્ધે દુખ નિર્મૂલનનો માર્ગ ચીંધ્યો. સ્વાસ્થ્ય જેવું ક્યાં કંઈ છે જ જગતમાં?! રોગ નિર્મૂલન પછી જે બચે એ સ્વાસ્થ્ય. અને જાગતિક ભૌતિકની વ્યર્થતાની કેવી પ્રતીતિ બુદ્ધને!? જેવી જાણ થઈ કે મોત, બુઢાપો અને દુખ છે જ જગતમાં કે તરત જ બધું છોડીને જંગલ જ જતા રહ્યા, છ વર્ષ સુધી સહેજ પણ કે આભાસી શક્યતા ધરાવતા દરેકને ગુરુ બનાવ્યા. એકે તો ચોખાના એક દાણે દહાડો કાઢવા સૂચવ્યું તો એનું પણ માન્યું. પેટ અને પીઠ ચોંટી ગયાં ત્યાં સુધી શરીર ગાળી નાખ્યું, પણ 6 વર્ષ પછી માનવજાત માટે મહાવરદાન થઈ પાછા આવ્યા.
આ પણ વાંચો: આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી…
જીવનમાં હવેનાં વર્ષોમાં જો વાગીશ્વરી ડિકટેશન આપવાનું તય કરે તો મારે સ્ટેનોગ્રાફર બની યશોધરાના પ્રદાન માટે કશુંક અદ્ભુત ઉતારી ગુજરાતી ભાષાને વધુ સુંદર બનાવવી છે. જોઇએ સરસ્વતી કૃપા અને કવિ તો માત્ર યત્ન પુરતો જ… બુદ્ધ જ્યારે યુવાન ગૌતમ હતા ત્યારે દુનિયાભરના ભોગ અત્યંત સહજ હતા. અને ગૌતમે of course અજાણતા અને સભાનતામાં એ સૌથી ક્યારેય પાછી પાની નથી કરી. પણ યશોધરા? એણે તો સમગ્ર સ્ત્રી જાતીને વધુ ઉજળી બનાવે એમ માત્ર આપ્યું જ છે. ગૌતમ આ અર્પણના પ્રદાનથી જ બુદ્ધ થઇ શક્યા હોય એવું નથી લાગતું? સાહેબ! બાપ જેવો બાપ શુદ્ધોધન, રાજા શુદ્ધોધન નારાજ થાય અને રોષ વ્યકત કરે એ વિદિત છે, પણ પુત્ર જન્મની પહેલી રાતે ગૌતમ ઘર છોડીને જતા રહે. અને 6 વર્ષે પાછા આવે ત્યારે ઇતિહાસ માત્ર એટલું જ બોલવાનો હક આપે યશોધરાને કે ‘તમે જે અહીંયાથી ભાગીને મેળવ્યું, છ વર્ષ દરમિયાન અહીંયા જ રહીને ન મેળવી શક્યા હોત?!’ હું બુદ્ધને પરમ આદરણીય ગણું છું, પણ આટલા પૂરતા બુદ્ધ પણ યશોધરા આગળ ઓછા પડે છે. આખી ‘યશોધરા ગાથા’ કે ‘યશોધરા-કથા’ કે ‘યશોધરા-વ્યથા’ ગઝલનાં છંદમાં આલેખવી છે. જોઇએ કયાં સુધી અને કયારે પહોંચાય છે….
આ પણ વાંચો: આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (2)
વાત તો આજે ‘ઇન્ટરનેટિયા અને વોટસેપિયા જ્ઞાનનું અદોદળાપણું’ની કરવાની હતી પણ માથે ઓશોનો હાથ છે અને મોસાળિયા બધા વાચકો છે એટલે એ વાત આગલા રવિવારે. પણ આજે ગૌતમના મહાભિનિષ્ક્રમણ કે રાત્રીગમન કે ત્યાગ ઉપર ઘાયલ સાહેબ શું ફરમાવે છે!
મોજ સઘળી એમનાથી હેઠ છે
શાયરી બહુ ખૂબસૂરત વેઠ છે
સુખ ગણી જેને પ્રશંસે છે જગત,
એં અમે છાંડી દીધેલી એંઠ છે
અને મારા પોતાના અંગત બુદ્ધ પરત્વેના લગાવ ઉપર તો મહાન ‘મરીઝ’નો મહાનતમ્ શેર જમુકાય ને!
આ પણ વાંચો: આજે આટલું જ: ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (૩)
હા, સૌને પ્રેમ કરવાને લીધો’તો મેં જનમ
વચમાં તમે જરા…ક વધારે ગમી ગયા.
આજે આટલું જ….