ઉત્સવ

આકાશ મારી પાંખમાં : ન્યુ લાઈફ- ન્યૂ વિઝન, સાચી ઘટનાઓ પર આધારિત છે આ કથા

-ડૉ. કલ્પના દવે

દશે દિશાઓ ઘૂમી જાણું છું, ઊંચા આકાશને આંબી જાણું છું.

આ દરિયો શું ડૂબાડે મને, અગાધ દરિયાને તરી જાણું છું.

હું, પ્રતિમા શાહ, 70 વર્ષે મારી સત્યકથા કહી રહી છું. યસ, આય એમ અ કેન્સર વોરીયર, આય એમ અ કેન્સર સર્વાઈવર.

2020ની કોરોનાની મહામારી સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું હતું. એના ઓથારે આપણને સહુને ભરડામાં લીધા હતા. કોવિડ-19ના એ કાળસર્પે પોતાની ફેણ ચારેકોર ફેલાવી હતી, ત્યારે મારે એક મહારોગ સામે બાથ ભીડવાની હતી.
2021ના નવા વર્ષની ડાન્સ પાર્ટીમાં મેં કહ્યું હતું:- We are entering in the NEW YEAR In a NEW DECADE with New Vision, NEW Challenge New Spirit.અને સાચે જ એક મહાન સંઘર્ષનો મારે હિંમતપૂર્વક સામનો કરવો પડ્યો.

જાન્યુઆરી-2021ના મારા એક મેડિકલ રિપોર્ટે મારી જિંદગી ધરમૂળથી બદલી નાખી. એક મહારોગ સામેની લડત, શારીરિક વેદના અને માનસિક ત્રસ્તતાનો સામનો કરવાનો પડકાર મારી સમક્ષ આવીને ઊભો રહ્યો. લોસ્ટ ઓફ આઈડેન્ટીટીની વેદનામાંથી પુન: આત્મગૌરવ અને સેલ્ફ આઈડેન્ટીટી પામવાની એક જબરી મથામણ મારે કરવી પડી.

આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : મનની ભીતરનું આભ ઉઘડે તો ઝળહળાં થાંઉ, મીરાંની જેમ નાચી ઊઠું તાનમાં…

ડાયોગ્નાઈઝ સેન્ટરમાં મારી મેમોગ્રાફી ટેસ્ટ થયા પછી સોનોગ્રાફી ટેસ્ટ કરી રહેલા ડોકટર શાહે મને ગંભીર ભાવે પૂછયું-

બહેન, તમને કેટલાં સંતાનો છે, કયાં રહે છે? સોનોગ્રાફીના સ્ક્રીન પર નજર રાખતાં તેમણે બે વાર આ પ્રશ્ન પૂછયો. મને નવાઈ લાગી.

પછી ડોકટરે કહ્યું- હું તમારા ફેમિલી ડોકટરને રિપોર્ટ મોકલાવું છું. હજી થોડા ટેસ્ટ કરવા પડશે.

મારા ડાબા ખભાની નીચે એક્ષલરીમાં જે ગાંઠ હતી,તેની બાયોપ્સી કરવાની સલાહ હિંદુજાના એન્કોલોજીસ્ટ ડોકટરે આપી અને હવે જ મારી ખરી કસોટીનો સમય શરૂ થયો. મારો સ્ટ્રોંગ દીકરો અજય અને પુત્રવધૂ સ્નેહા, મારા પતિશ્રી, નાની પૌત્રી નિકીતા બધા મારું વિશેષ ધ્યાન રાખવા લાગ્યાં.

આખરે નિદાન થયું કે આ ગાંઠ કેન્સરની છે અને ઓપરેશન કરવું પડશે. મારા મનમાં ભય પેઠો -કેન્સર એટલે કેન્સલ, ખેલ ખતમ.

આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : વિદેશી ટૅક્સીડ્રાઇવર

એક તરફ કોરોનાનું વિકરાળ રૂપ, તેનો ભયાનક અદૃશ્ય ચહેરો અને બીજી તરફ આ જીવલેણ માંદગી. મને ટેન્શનમાં જોઈ અજયે કહ્યું- ‘મમ્મી, જરાય ચિંતા ન કર. આપણે બેસ્ટ હોસ્પીટલમાં બેસ્ટ ડોકટર પાસે ઓપરેશન કરાવીશું. મમ્મા, વી ઓલ આર વીથ યુ.’

27જાન્યુઆરી- સવારે 7.30 વાગે
હું ઓપરેશન થિયેટરની બહાર સ્ટ્રેચર પર પડી હતી. દીકરાનો પ્રેમાળ ચહેરો મને હિંમત આપતો હતો. માંદગી ગંભીર હતી, પણ કોઈ અદીઠ શક્તિ મને બળ આપી રહી હતી. આંખ બંધ કરી હું સતત પ્રભુસ્મરણ કરી રહી હતી, જેથી પેલો ભય મને વળગી ન પડે.

મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. લેડી ડોકટરે મીઠું સ્મિત આપતાં કહ્યું- અમે તમારી આર્મપીટમાં થયેલી બે ગાંઠનું ઓપરેશન કરીશું. જરા ય ગભરાશો નહીં, તમને કોઈ તકલીફ પડશે નહીં.

આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : પ્રેમનું ઉપનિષદ

ગોડ બ્લેસ યુ. મેં જરા હસતાં કહ્યું. ઓપરેશન થિયેટરના મશીન પરની લાઈટ હું એકીટકે જોઈ રહી પછી મનોમન બોલી- હે દિવ્ય પ્રકાશ ! મને બળ આપો.

મારું ઓપરેશન કરવાવાળા-દેવદૂત સમા એ સિનિયર ડોકટરે આવીને મને પૂછ્યું- કેમ છો?

યસ, ડોકટર આઈ એમ ગુડ. તમને ખબર છે, માય ફાધર વોઝ ફ્રીડમ ફાઈટર. સો આઈ શુડ બી સ્ટ્રોંગ.

યસ, યુ આર સ્ટ્રોંગ. ડોકટરે કહ્યું.

ડોકટર, યુ નો આય એમ અ રાયટર ઓલ્સો. હમણાં જ મેં ભારતીય સીમા પર જાનના જોખમે દેશનું સંરક્ષણ કરી રહેલા સૈનિકોની શૌર્યકથાઓ અને શહીદી કથાઓ વિશે અનુવાદિત પુસ્તક આપણું સિયાચીન પ્રગટ કર્યું છે. મેં કહ્યું.
રીયલી ઈટ્સ ગ્રેટ, યુ આર બ્રેવ રાયટર ટુ. ડોકટરે સસ્મિત કહ્યું.

આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં: તો, પીડીતા શું કરે?

(મને એનેસ્થેસિયાની અસર થઈ રહી હતી, પછી શું થયું તે ખબર ન પડી.)

ઓપરેશન પૂરું થયા પછી રીકવરી રૂમમાં હતી ત્યારે લેડી ડોકટરે કહ્યું- તમારું ઓપરેશન સરસ રીતે થયું છે. ચાર નોડ્સ (ગાંઠ) હતી, પણ અમે તમારી ચેસ્ટનો ભાગ બચાવી શક્યા છીએ.

મેં કહ્યું- થેંકસ ડોકટર, ગોડ બ્લેસ યુ. ડોકટર, એ નોડ્સ મારે જોવી છે.

એ નોડ્સ અમારે ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવી પડે, એટલે બતાવી ન શકાય.

મેં કહ્યું:- ઈટ્સ ઓ.કે ડોકટર.

સદભાગ્યે ઓપરેશનની કોઈ સાઈડ ઈફેક્ટ થઈ ન હતી. હવે બીજો પડકાર હતો- પોસ્ટ ટ્રીટમેન્ટ ઓફ ઓપરેશન.

ના હારેંગે, ના ઝૂકેંગે ઈસ મહારોગ સે લડેંગે
યે હોંસલા કભી ના છોડેંગે, અગનપથ પર ચલકર,
યે કેન્સર કો હરાયેંગે, ઔર હમ જીતકર દીખાયેંગે.

હોસ્પિટલમાંથી જે મેડીસીન બોક્સ આપ્યું હતું,, તેના પર લખ્યું છે- હેપીનેસ ઈઝ ધ બેસ્ટ મેડીસન- મહારોગને નાથવા મારે આ સૂત્ર સાર્થક કરવાનું હતું.

કિમોથેરેપી ટ્રીટમેન્ટ ખરેખર પડકારરૂપ હોય છે. જેમાં શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઓપરેશન અને આ બધી ટ્રીટમેન્ટ ખૂબ ખર્ચાળ પણ અત્યંત જરૂરી હોય છે. હું નસીબદાર હતી કે મારા પતિ અને દીકરાએ ફાઈનાન્સની શ્રેષ્ઠ વ્યવસ્થા કરી હતી.

કિમોથેરેપીની ટ્રીટમેન્ટની માઠી અસર તમારી ચામડીના દરેક કોષના મૂળ સુધી પહોંચે છે. પરિણામે દરદીના વાળ ઊતરી જાય, ચહેરો મહોરો બદલાઈ જાય. આ પરિસ્થિતિ દરદીની હતાશાનું કારણ બને છે. એ કપરો સમય હવે નજર સામે હતો.

શરૂઆતમાં મારા વાળ પર કોઈ અસર થઈ ન હતી. બીજો કિમો લીધો, મને અશક્તિ લાગતી હતી. મારા વાળ જથ્થા રૂપે ઉતરવા લાગ્યા. શેમ્પૂ વડે માથું ધોયું તો વાળ વધુ કડક બની ઘૂંચવાઈ ગયા.

તે સાંજે પહેલી વાર ભાવુક બની ગઈ. સ્નેહાને ખભે માથું મૂકીને રડી. આય લોસ્ટ માય હેર- બધા કહેશે ટકલી-ટકલી. હું કેવી લાગીશ?

સ્નેહાએ હિંમત બંધાવતા કહ્યું- મમ્મી, એમાં શું, આપણે વીગ બનાવીશું. મેં તરત કહ્યું હતું, ના,બેટા મારે બનાવટી વાળની વીગ નથી જોઈતી. જે પરિસ્થિતિ હોય તેને હું હસતે મુખે સહન કરી લઈશ.

વાહ મમ્મી, ધેટસ ધ સ્પીરીટ. પછી મારા માટે સુંદર એમ્બ્રોડરીવાળી સરસ કાળીટોપી સ્નેહાએ મંગાવી જે નવા વાળ ન આવ્યા ત્યાં સુધી મેં પહેરી. આજે પણ એ કેપ મેં સાચવી રાખી છે.

આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : બજેટનાં લેખાં-જોખાં

કિમોથેરેપી લેવા જવાની આગલી રાત્રે કોઈ અકળ ભય મને ઘેરી વળતો ત્યારે હું મારા પતિને કહેતી-ભગ ભગ કરતું કોઈ મોટું એંજિન મારા તરફ ધસી રહ્યું છે એ મને ખેંચી જશે. ત્યારે નાના બાળકની જેમ મારે માથે હાથ ફેરવતા એ હનુમાન ચાલીસા બોલતા અને હું પણ એમાં સૂર પુરાવતી.

ઓપરેશન, કિમોથેરેપી, રેડીએશન અને એક સાઈડ ઈફેક્ટ તરીકે લિમ્ફોડેમાનો પણ સામનો કરવો પડ્યો.

જાન્યુઆરી2021થી શરૂ થયેલા આ કેન્સરયુદ્ધનો એપ્રિલ-2022માં અંત આવ્યો. આજે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું. શારીરિક, માનસિક, આર્થિક રીતે પડકારરૂપ કાળમા મને સાથ આપનાર કુટુંબીજનોએ જ મારું આત્મબળ ટકાવી રાખ્યું છે. આ સંકટમાંથી મને નવજીવન આપનાર પ્રભુની કૃપાનો મને સાક્ષાત્કાર થયો. હે,પ્રભુ, તું જ મારો સારથિ- આ ન્યુ લાઈફ વીથ ન્યુ વિઝન માટે નતમસ્તક છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button