આઝાદી બાદ પહેલીવાર કાશ્મીરમાં દોડી લક્ઝરી ટ્રેન ‘વિસ્ટાડોમ’

શ્રીનગરઃ કાશ્મીરના લોકો માટે ખુશખબર છે. દેશના અન્ય રાજ્યો અને શહેરોની જેમ હવે જમ્મુ-કાશ્મીરના લોકો પણ લક્ઝરી ટ્રેનની મુસાફરીનો આનંદ માણી શકશે. જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહાએ નૌગામ રેલવે સ્ટેશન પર કાશ્મીરની પ્રથમ ઓલ-વેધર ગ્લાસ સિલિંગ કન્ડિશન્ડ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટ્રેનને ‘વિસ્ટાડોમ’ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનના ઉદ્ઘાટનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ભારત સરકારની સારી પહેલ માની રહ્યા છે.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વિકાસને વેગ મળ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ઓલ-વેધર રોડનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. બ્રિજ, ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. આઝાદી બાદ હવે પહેલીવાર લક્ઝરી ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ પહેલા એક હાઈડ્રોજન બસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે લદ્દાખ ક્ષેત્રમાં ચલાવવામાં આવી રહી છે. સરકારની આ પહેલ પર લોકોની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. યૂઝર્સનું કહેવું છે કે આનાથી કાશ્મીર પહોંચનારા પ્રવાસીઓને સારો અનુભવ મળશે.
આઝાદી બાદ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ લક્ઝરી ટ્રેન દોડતી જોઇને અહીંના લોકો પણ ઘણા ખુશ છે. યુવાનો સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું હતું કે વિસ્ટાડોમ ટ્રેનથી કાશ્મીરની સુંદરતા વધુ સારી રીતે જોઈ શકાય છે. આ માટે રેલવે અભિનંદનને પાત્ર છે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું હતું કે કાશ્મીરના લોકો આવા વિકાસને મિસ કરી રહ્યા હતા. અગાઉના રાજકીય પક્ષો લોકોને લડાવીને તેમનો પોતાનો અને તેમના પક્ષનો વિકાસ કરીને જ તેમની સરકારો બનાવતા હતા. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કાશ્મીરના સામાન્ય લોકો માટે કામ થઈ રહ્યું છે.