ફોકસ પ્લસ : ત્રણ વર્ષમાં ચોવીસ હજાર કુપોષિત બાળકોને ઉગાર્યાં વારાણસીના આ આઈએએસ ઍાફિસરે…

-નિધિ શુક્લ
વારાણસીના આઇએએસ ઑફિસર એસ. રાજાલિંગમ અને હિમાંશુ નાગપાલે સાથે મળીને ત્રણ વર્ષમાં ચોવીસ હજાર કુપોષિત બાળકોને ઉગાર્યા છે. એના માટે તેમણે નવી આંગણવાડીની પણ શરૂઆત કરી છે. એના હેઠળ બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે.
Also read : ફોકસ પ્લસ: યુવાનોને આપે છે નવી દિશા આ નારી…
તેમનાં આંગણવાડીમાં બે વર્ષની વર્તિકા જ્યારે આવી ત્યારે તેનો વજન માત્ર 7.1 કિલો હતો. તે બરાબર ચાલી પણ નહોતી શકતી. જોકે આંગણવાડીમાં તેને મળેલા આહાર અને કાળજી બાદ પંદર દિવસમાં તે ચાલી શકી હતી, તે દોડવા લાગી અને ડાન્સ પણ કરવા લાગી હતી.
થોડાં વર્ષો પહેલાં નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે મુજબ વારાણસીમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ ખૂબ ગંભીર હતી. જ્યાં વહેલાસર પગલાં લેવાની જરૂર હતી. એથી એસ. રાજાલિંગમ અને હિમાંશુ નાગપાલે સત્વરે આ સ્થિતિમાંથી બાળકોને બહાર કાઢવાની યોજના ઘડી કાઢી હતી. તેમણે એ વાતની ખાતરી લીધી કે આંગણવાડીઓ સમયસર શરૂ થાય અને બાળકો દરરોજ એમાં આવતા થાય.
તેમણે 2,200 આંગણવાડીનું પુનર્નિર્માણ કરાવ્યું અને 600 નવા કેન્દ્રો શરૂ કર્યાં. હિમાંશુ નાગપાલે જોયું કે કુપોષણને નાથવા માટે પ્રશાસન તો બનતા બધા પ્રયાસ કરે છે, પરંતુ આંગણવાડીમાં આવતા બાળકોમાં હજી પણ કુપોષણ હતું. બાળકોને આયર્ન અને મલ્ટિવિટામિનની સપ્લિમેન્ટ્સ આપવા માંડ્યા. એની સાથે જ મિલેટ અને પ્લાન્ટ આધારિત ભોજન માતા અને બાળકો બન્નેને મળે એવી જોગવાઈ કરી હતી.
કુપોષિત બાળકોને મિલેટ બાર્સ અને રાગીના લાડુ આપવામાં આવતા હતા. એને કારણે બાળકોમાં એકાગ્રતામાં સુધારો થયો. સાથે જ આવા બાળકોનાં પરિવારને રેડી-ટૂ-ઇટ ખોરાક જેવા કે બરફી અને દલિયા આપવામાં આવતા હતા.
આંગણવાડી કાર્યકર્તા કહે છે, અમે પરિવારને રાશન આપીએ છીએ, જેમાં દાળ, દલિયા, રિફાઇન્ડ તેલ, સફરજન, સંતરા અને કેળાનો સમાવેશ છે. સાથે જ બાળકોને દરરોજ મિલેટના લાડુ આપીએ છીએ. ’
હિમાંશુ કહે છે, ‘આ પહેલ માત્ર ખોરાક અને પોષણ પૂરતી જ નથી. આ તો ભવિષ્યની દિશામાં આગળ માંડવાનું એક પગલું છે કે જેમાં દરેક બાળકને ખીલવાનો અધિકાર છે.’
Also read : ફોકસ પ્લસ: નાગ જનજાતિ માટે તહેવારોનો તહેવાર છે હૉર્નબિલ મહોત્સવ…
તેમણે કરેલી અથાક મહેનતને કારણે જ 2021થી 2024 સુધીમાં કુપોષિત બાળકોનો આંકડો 24,820 હતો તે હવે 316 છે.