એકનાથ શિંદે ભૂતકાળમાં કોંગ્રેસમાં જોડાવા માગતા હતા: સંજય રાઉત
મહારાષ્ટ્ર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ નાના પટોલેએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ‘ઓફર’ આપતાં નવી ચર્ચાઓ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકીય પટલ પર નવો ખળભળાટ મચાવતા શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે એકનાથ શિંદે એક સમયે કોંગ્રેસમાં જોડાવાના હતા.
રાજ્યસભાના સભ્ય અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાઉતે જોકે સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો નહોતો.
તેમણે એવો દાવો કર્યો હતો કે શિંદે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ દિવંગત કોંગ્રેસી નેતા અહેમદ પટેલના સંપર્કમાં હતા.
અહીં ઉલ્લેખનીય છે કે અહમદ પટેલનું પચીસ નવેમ્બર, 2020માં નિધન થઈ ગયું હતું.
‘મને ખબર મળી હતી કે શું ચાલી રહ્યું હતું. અહેમદ પટેલ હવે હયાત નથી અને તેથી હું વધુ કંઈ કહેવા માંગતો નથી કારણ કે તેઓ આ વાતને પુષ્ટિ આપવા માટે હાજર નથી,’ એમ રાઉતે પત્રકારોને જણાવ્યું.
‘(કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) પૃથ્વીરાજ ચવ્હાણને આ વિશે પુછી શકો છો તેમને જાણકારી હશે. શિંદે અહેમદ પટેલના સંપર્કમાં હતા,’ એવો દાવો તેમણે કર્યો હતો.
જોકે, પૃથ્વીરાજ ચવ્હાણે રાઉતના દાવાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ મુદ્દે શિંદેની પ્રતિક્રિયા મળી શકી નહોતી, પરંતુ તેમના નજીકના સહાયક અને થાણેના સાંસદ નરેશ મ્હસ્કેને જ્યારે આ બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે આ દાવાને નકારી કાઢ્યો હતો. ‘રાઉત ભાંગના પ્રભાવ હેઠળ હોય તેવું લાગે છે,’ એમ તેમણે કહ્યું હતું.
Read This…ઘાટકોપરવાસીઓ સાવધાનઃ સુધરાઈનું પાણી પીતા પહેલા કરી લો આ મહત્વનું કામ નહીંતર…
મહારાષ્ટ્ર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ નાના પટોલેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને (એનસીપીના) અજિત પવારને ‘મુખ્ય પ્રધાનપદના’ વચન સાથે વિપક્ષી ગઠબંધનમાં જવાની ‘ઓફર’ આપીને ખળભળાટ મચાવ્યો હતો. તેમણે હોળીની ઉજવણી દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી.
જ્યારે પ્રતિક્રિયા આપવા માટે પૂછવામાં આવ્યું ત્યારે રાઉતે કહ્યું કે રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી.
‘હું અવાચક છું. હું ફક્ત એટલું જ કહી શકું છું કે રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી,’ એમ તેમણે ઉમેર્યું હતું.
રાઉતે કહ્યું કે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે 2019માં મહા વિકાસ આઘાડી (એમવીએ)ની રચના થશે અથવા 2022માં (શિંદેના નેતૃત્વમાં) ‘ગેરબંધારણીય’ સરકાર સત્તા સંભાળશે અથવા 2024માં દેવેન્દ્ર ફડણવીસને સંપૂર્ણ બહુમતી મળશે.
તેમણે એવો આરોપ લગાવ્યો કે શિંદેને બાળાસાહેબ ઠાકરેના ભગવા ધ્વજ સાથે કોઈ લેવાદેવા નથી.
‘શિંદે અને અજિત પવાર (જેમણે 2023માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું વિભાજન કર્યું હતું) ભાજપના ધ્વજ લઈ રહ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું.