મોંઘવારી નહીં સોંઘવારી સમસ્યા બની ગઈ છે આપણા પડોશી દેશ માટેઃ જાણો કારણો…

નવી દિલ્હી: અમેરિકા પછી હવે ચીનમાં ડિફ્લેશનનું જોખમ તોળાઇ રહ્યું છે. ભારતના પાડોશી પરંતુ પ્રતિસ્પર્ધી દેશ ચીનમાં હરહંમેશ ઉંધી ગંગા વહેતી હોય તેવું કહેવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વ જ્યાં હાલ મોંઘવારી સામે લડી રહ્યું છે, ક્રૂડના ભાવની ઉથલપાથલ વચ્ચે મોંઘાવરીમાં ભારે ઉતાર-ચઢાવ ચોતરફ જોવા મળી રહ્યો છે તેવામાં ચીનમાં ડિફ્લેશન એટલેકે સોંઘવારીની સમસ્યા ઉભી થઈ રહી છે.
Also read : India-China Relations: ભારતીયો માટે ખુશખબર, ફરી શરૂ થશે કૈલાશ માનસરોવરની યાત્રા

ફેબુઆરીમાં ચીનમાં રિટેલ ફુગાવો શૂન્યથી નીચે આવી ગયો છે. 13 મહિનામાં પ્રથમ દેશમાં મોંઘવારી દર નેગેટીવ બન્યો છે એટલેકે દેશમાં સોંઘવારીની સ્થિતિ ઉભી થઈ છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં સતત નબળી માંગ અને લૂનર નવ વર્ષની રજાના વહેલા આગમનને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે.
ચીનના રાષ્ટ્રીય આંકડા બ્યુરોએ જણાવ્યું કે ફેબુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક એક વર્ષ અગાઉની તુલનામાં 0.7 ટકા ઘટયો હતો. માસિક ધોરણે છૂટક ફુગાવો જાન્યુઆરી કરતા 0.2 ટકા ઓછો રહ્યો હતો. વિશ્વભરના મોટાભાગના દેશો હાલ ફુગાવા સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ચીનના પોલિસી મેકર્સ ગ્રાહક ભાવમાં ઘટાડાનો સામનો કરી રહ્યા છે. ચીનમાં હવે ડિફ્લેશનનો ભય છે, જે અર્થતંત્રને નીચે ખેંચી જશે.
લૂનર ન્યૂ યર એટલેકે ચદ્ર નવ વર્ષના સમયગાળામાં દેશભરમાં મુસાફરી, બહાર ખાવા-પીવા અને મનોરંજન પાછળનો ખર્ચ વધે છે. ચંદ્રના ચક્ર પર આધારિત આ સમયગાળો આ વર્ષે ફેબુઆરીના બદલે જાન્યુઆરીના અંતમાં આવ્યો છે. જાન્યુઆરીમાં રજાઓના ખર્ચને કારણે ગ્રાહક ભાવ સૂચકાંકમાં 0.5 ટકાનો વધારો થયો હતો. સરકારના આંકડા બ્યુરોના આંકડાશાસ્ત્રીએ એક લેખિત વિશ્લેષણમાં જણાવ્યું કે રજાઓની અસરને ધ્યાનમાં લીધા પછી ગત મહિને ગ્રાહક ભાવ સૂચકાંકમાં 0.1 ટકાનો વધારો થયો હતો. આ હજુ પણ આદર્શ સ્તરથી ઘણું નીચે છે.
Also read : આ શક્તિપીઠ પર છે બલુચોની અપાર શ્રદ્ધા! અહી પડ્યો હતો સતીના માથાનો ભાગ
ચંદ્ર નવા વર્ષના વહેલા આગમન ઉપરાંત, ફેબુઆરીમાં સારા હવામાનને કારણે કૃષિ ઉત્પાદનમાં વધારો, તાજા શાકભાજીના ભાવમાં ઘટાડો અને વાહન ઉત્પાદકોએ વેચાણ વધારવા માટે પ્રમોશનમાં વધારો કરતા નવી કારના ભાવમાં ઘટાડો થતા મોંઘવારી તળિયે ઉતરી હોવાનું અનુમાન છે. આંકડાકીય બ્યુરોએ જણાવ્યું હતું કે ફેબુઆરીમાં માલના જથ્થાબંધ ભાવને માપતો ઉત્પાદક ભાવ સૂચકાંક 2.2 ટકા ઘટયો હતો. ગત સપ્તાહે સરકારે વાર્ષિક અહેવાલમાં આ વર્ષ માટે 2 ટકા ફુગાવાનો લક્ષ્યાંક મુક્યો હતો પરંતુ અર્થશાસ્ત્રીઓના મતે ફુગાવો આ લક્ષ્યાંકથી ઘણો નીચે રહેવાની શક્યતા છે. 2024ના વર્ષમાં ગ્રાહક ભાવ સૂચકાંક સ્થિર રહ્યો છે અને 2024માં 0.2 ટકા વધ્યો છે.