આમચી મુંબઈ

ઈસ્ટર્ન અને વેેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ‘સ્વચ્છતા ઝુંબેશ’

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: લાંબા સમયથી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકનારી મુંબઈ મહાનગરપાલિકા હવે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માટે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની છે, જેમાં રાતના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી હાઈવેની સાથે જ તેને લાગીને આવેલા રસ્તાઓની સાથે જ બસ સ્ટોપ અને ફૂટપાથની પણ સફાઈ કરવામાં આવવાની છે.

Also read : ઘાટકોપરના નાગરિકોને આગામી ૧૦ દિવસ પાણી ઉકાળીને પીવાની બીએમસીની સલાહ

પાલિકા દ્વારા મુંબઈમાં નાના-મોટા રસ્તા, ગલીઓમાં ડિવાઈડર, બૅરિકેડ્સ, જુદા જુદા ચોકની સ્વચ્છતા તથા સુશોભીકરણના કામની સાથે સરકારી, પાલિકા તથા ખાનગી હૉસ્પિટલોના પરિસરમાં તબક્કાવાર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હવે પાલિકાએ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવાની છે. સોમવાર, રાતના ૧૭ માર્ચ, ૨૦૨૫થી શનિવાર, ૨૨ માર્ચ, ૨૦૨૫ આ છ દિવસ દરમ્યાન દરરોજ રાતના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી આ ઝુંબેશ અમલમાં મુકાશે.

બંને હાઈવેને જોડનારા મહત્ત્વના રસ્તાઓની સફાઈ બાબતે ડેપ્યુટી કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તેમ તેને જોડનારા રસ્તાઓ પર સોમવારથી રાતના સમયે આ સ્વચ્છતા ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. આ ઝુંબેશ રાતના સમયમાં અમલમાં મૂકવામાં આવવાની હોવાથી ટ્રાફિકને કોઈ અસર થશે નહીં અને સ્વચ્છતા કામ પણ ઝડપથી અને સારી રીતે કરી શકાશે. ટ્રાફિક પોલીસ પણ આ ઝુંંબેશમાં જોડાશે.

રસ્તાઓની સફાઈનું કામ નિર્ધારિત સમયમાં પાર પડે તેની જવાબદારી વોર્ડ સ્તરે સોપવામાં આવી છે. હાઈવેના ઠેકાણે સબ-વે, સર્વિસ રોડ, રૅમ્પ અને બહાર પડવાના રસ્તા વગેરે વિસ્તારમાં રહેલો કાટમાળ વગેરે પણ હટાવવામાં આવશે. તેમ જ ધૂળને હટાવવા માટે મેકૅનિકલ સ્પીકિંગ મશીન વાપરવામાં આવશે. હાઈવેની સફાઈ જેટિંગ પ્રેશર વોશર મશીનથી કરવામાં આવશે.

Also read : નવી મુંબઈમાં બનાવાશે ‘વીવીઆઈપી ટર્મિનલ’, જાણો કોને મળશે એની સુવિધા?

વધુ માહિતી આપતા કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કેે હાઈવેને લાગીને આવેલી કચરા પેટીમાં રહેલા કચરા અને કાટમાળને સાફ કરવાની સાથે જ હાઈવે પરના ડિવાઈડર પરના ઝાડની પણ યોગ્ય રીતે સફાઈ કરાશે. બસના સ્ટોપની સફાઈ અને તેના પર બેસવાની વ્યવસ્થા, કચરા પેટીની સફાઈ, સાર્વજનિક પ્રસાધનગૃહ પરિસરની સફાઈ તેમ જ રસ્તાને અડચણરૂપ પહેલા જૂના વાહનોને પણ હટાવવામાં આવશે. ફૂટપાથ પરના પેવર બ્લોક, ડિવાઈડરનું સમારકામ પણ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button