આઠ વર્ષની દીકરીને 29 મા માળેથી નીચે ફેંક્યા બાદ માતાએ પણ પડતું મૂક્યું…

મુંબઈ: આઠ વર્ષની દીકરીને ઇમારતના 29મા માળેથી નીચે ફેંક્યા બાદ માતાએ પણ ત્યાંથી પડતું મૂક્યું હોવાની આઘાતજનક ઘટના પનવેલ વિસ્તારમાં બની હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ પોલીસે માતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પનવેલના પલાસ્પે ફાટા ખાતેની મેરેથોન નેક્સઝોન રહેણાક ઇમારતમાં બુધવારે સવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી માતા-પુત્રીની ઓળખ મૈથિલી દુઆ (37) અને માયરા (8) તરીકે થઇ હતી. આ ઘટના બાદ મૈથિલીના પતિ આશિષ દુઆ (41)એ નોંધાવેલી ફરિયાદને આધારે પનવેલ સિટી પોલીસે પુત્રીની હત્યા બદલ મૈથિલી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આશિષ દુઆ કોન્ટ્રેક્ટર છે અને તેણે દાવો કર્યો હતો કે તેની પત્ની માનસિક સમસ્યાથી પીડાતી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.
Also read : મંદિરમાંથી ચાંદીની મૂર્તિ, મુગટ અને દાનપેટીમાંની રોકડ ચોરનારો પકડાયો
મૈથિલીએ બુધવારે સવારે ઇમારતમાં 29મા માળે આવેલા ફ્લેટના બેડરૂમની બારીમાંથી પુત્રીને નીચે ફેંકી હતી અને બાદમાં પોતે પણ ત્યાંથી ઝંપલાવી દીધું હતું. ઇમારતના ભોંયતળિયે ખુલ્લી જગ્યામાં બંને પટકાઇ હતી. લોહીલુહાણ હાલતમાં બંનેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસીને બંનેને મૃત જાહેર કરી હતી.
પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હોઇ મૈથિલી અને તેના પતિ વચ્ચે ઘરેલું વિવાદ ચાલતો હતો કે કેમ તેની તપાસ કરી રહી છે.