મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતાં પણ ખરાબ: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શુક્રવારે કરેલા એક નિવેદનમાં મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન ઔરંગઝેબના શાસન કરતાં પણ ખરાબ ગણાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે ભગવા પક્ષના કારણે ખેડૂતો મરી રહ્યા છે.
તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્યમાં ખેડૂતો, બેરોજગારો અને મહિલાઓ આત્મહત્યા કરી રહ્યા છે.

ઔરંગઝેબને દફનાવવામાં આવ્યાને 400 વર્ષ થઈ ગયા છે. તેમને ભૂલી જાઓ. શું મહારાષ્ટ્રના ખેડૂતો ઔરંગઝેબના કારણે આત્મહત્યા કરી રહ્યા છે? ‘તેઓ તમારા કારણે જ આ કરી રહ્યા છે,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.

જો મોગલ શાસકે અત્યાચાર કર્યા હતા, તો અત્યારની સરકાર શું કરી રહી છે, એવો સવાલ તેમણે કર્યો હતો. રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળની શાસક મહાયુતિમાં શિવસેના અને એનસીપી પણ શામેલ છે. ‘ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપનો કાર્યકાળ ઔરંગઝેબ કરતાં પણ ખરાબ છે,’ એમ રાઉતે કહ્યું હતું.

આપણ વાંચો: સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણી પરના પ્રશ્ર્નનો જવાબ આપતાં તેમણે આમ કહ્યું હતું. ‘દરેકને’ લાગે છે કે છત્રપતિ સંભાજીનગરમાં મોગલ શાસક ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ, પરંતુ તે કાનૂનના દાયરામાં રહીને થવું જોઈએ કારણ કે અગાઉના કોંગ્રેસ શાસને આ સ્થળને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રક્ષણ હેઠળ રાખ્યું હતું, એમ ફડણવીસે કહ્યું હતું.

મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ, ભાજપના સાતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબર દૂર કરવાની માગણી કરી હતી.

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને મરાઠાઓ સાથેના તેમના યુદ્ધો માટે યાદ કરવામાં આવે છે, જેમણે તેમની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષાઓનો પ્રતિકાર કર્યો હતો. શિવાજી મહારાજના પુત્ર સંભાજીને તેમના આદેશ પર પકડવામાં આવ્યા, ત્રાસ આપવામાં આવ્યો અને ફાંસી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button