આપણું ગુજરાત

માનવ તસ્કરી કરતાં દેશના કુલ એજન્ટ પૈકી 50 ટકા ગુજરાતી, ઈડી તપાસમાં થયો ખુલાસો…

મુંબઈઃ અમેરિકામાં ઘૂસણખોરી કરવા લોકો અનેક પ્રકારની યુક્તિઓ અજમાવતા હોય છે. ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી દેશમાં ગેરકાયદે પ્રવેશતા ઝડપાયેલા લોકોને ઘરભેગા કરવામાં આવી રહ્યા છે. ઈડીની તપાસમાં ગુજરાત માનવ તસ્કરી એજન્ટો માટે બ્રીડિંગ ગ્રાઉન્ડ તરીકે ઉભરી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકા દ્વારા ગેરકાયદે રહેતા લોકોને પકડીને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાત માનવ તસ્કરી એજન્ટો માટે હબ તરીકે ઉભરી આવ્યું છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ 4,000-4,500 હ્યુમન ટ્રાફિકિંગ એજન્ટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાંથી 2,000 એકલા ગુજરાતના છે.

Also read : ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…

સ્ટુડન્ટ વિઝા પર કેનેડાની કોલેજમાં પ્રવેશ

આ એજન્ટો ઓછામાં ઓછી 150 કેનેડિયન કોલેજો સાથે જોડાયેલા છે જે ભારતના લોકોને કેનેડા થઈને ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવામાં મદદ કરે છે. રિપોર્ટ અનુસાર, એજન્ટો તેમના ગ્રાહકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડિયન કોલેજમાં પ્રવેશ અપાવે છે. કેનેડા પહોંચ્યા પછી તેઓ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે.

ગુજરાતમાં કેટલા એજન્ટ છે સક્રિય

ઈડીના અધિકારીએ જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં લગભગ 2000 એજન્ટો સક્રિય છે. તેઓ કેનેડા રૂટથી હ્યુમન ટ્રાફિકિંગમાં સામેલ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીએ નવેમ્બર 2021 અને જુલાઈ 2024 વચ્ચે આ એજન્ટો અને કેનેડિયન કોલેજો વચ્ચે થયેલા 12,000 થી વધુ નાણાકીય વ્યવહારો શોધી કાઢ્યા છે.કેનેડિયન કોલેજોને આ ચુકવણી ત્રણ કે ચાર ભારતીય નાણાકીય સેવા કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે કેનેડિયન કોલેજોને મોકલવામાં આવેલી ફી કમિશન કાપ્યા પછી વ્યક્તિના ખાતામાં પરત કરવામાં આવી હતી. આ કમિશન પ્રતિ વ્યક્તિ 55-60 લાખ રૂપિયાની વચ્ચે હતું.ED અધિકારીએ જણાવ્યું હતું કે હ્યુમન ટ્રાફિકિંગ સંબંધમાં મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2022 માં યુએસ-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીથી મૃત્યુ પામેલા ગુજરાતના મહેસાણાના ડિંગુચાના એક પરિવારના મૃત્યુની કેન્દ્રીય એજન્સીની તપાસના ભાગ રૂપે આ ખુલાસો થયો હતો.

Also read : રેડી રેકનર્સના દર નક્કી કરતી વખતે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ, 10 થી 15 ટકા વધારાની વાતો

અહેવાલો અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે. 2023 માં અમેરિકામાં પકડાયેલા 69,391 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સમાંથી 41,330 ગુજરાતીઓ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button