હોળીના તહેવારમાં કૃષ્ણ મંદિરો બને છે ભક્તિમય, ડાકોરથી લઈ દ્વારકામાં ઉજવાયો ભવ્ય રંગોત્સવ…

હોળીનો તહેવાર હોય એટલે કૃષ્ણ મંદિરે ભક્તોની જનમેદની ઉમટી પડે છે. ડાકોરમાં પણ શામળાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. આ દિવસોમાં ભક્તો પગપાળા યાત્રા કરીને ડાકોર જતાં હોય છે. ડાકોરમાં શામળાજીના મંદિર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી, ફાગણી પુનમ નિમિત્તે આજે સવારે 4 વાગે ઠાકોરજીના મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતીનો લાભ લેવા માટે પણ ભક્તોની ભીડ ઉમટી હતી.
Also read : ગુજરાતભરમાં ધૂળેટીએ મંદિરોમા ભક્તોની લાઈનો લાગી, શેરીઓ અને સોસાયટીઓમાં રંગેચંગે ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં 5 દિવસ સુધી હોળીનો તહેવાર ઉજવાય છે

રણછોડરાયનું મંદિર આજે જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ત્યાર બાદ 9 વાગે રણછોડરાયની શણગાર આરતી કરવામાં આવી હતી. યાત્રાધામ ડાકોરમાં 5 દિવસ હોળીનો તહેવાર ચાલે છે. આજે ધૂળેટીના દિવસે તેની પૂર્ણાહૂતિ છે. નોંધનીય છે કે, આમલકી અગિયારસથી લઈને ધૂળેટી સુધી એમ 5 દિવસીય ભવ્ય રીતે રંગોત્સવનો ઉજવાય છે.
2 લાખ લોકોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી
હોળીના દિવસે યાત્રાધામ ડાકોરમાં 2 લાખ લોકોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે ધૂળેટીના દિવસે ઠાકોરજીને શ્વેત વસ્ત્રોનો શણગાર કરી, સોનાની પિચકારી અંગિકાર કરાવીને ભક્તો પર રંગ છાંટવામાં આવ્યો હતો. આ એક પળ માટે લોકો કેટલાક કિલોમીટરનું અંતર કાપીને પગપાળા ડાકોર આવે છે. આ દરમિયાન અહીં આવતા ભક્તોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતી પોલીસ સતત ખડેપગે
યાત્રાધામ ડાકોરમાં ખેડા જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્ત બાબતે DySPએ વિગતો આપતા જણાવ્યું કે, અહીં શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપવા માટે પોલીસ સતત ખડેપગે છે. જોકે, અત્યાર સુધીમાં કોઈ અઘટિત ઘટના બની હોવાનું બહાર આવ્યું નથી. આજે હોળીના તહેવાનો છેલ્લો દિવસ હોવાના કારણે અહીં આવતા ભક્તો ધામધૂમથી હોળી મનાવી રહ્યાં છે.
શ્રીકૃષ્ણની સાથે ફૂલડોલ ઉજવવાનો ભક્તોમાં અનેરો ઉત્સાહ

દ્વારકામાં ઉજવાતા ફૂલડોલ ઉત્સવમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. શ્રીકૃષ્ણની સાથે ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ અનેરો હોય છે. જેથી અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને આવતાં હોય છે. યાત્રાધામ દ્વારકામાં પણ ભક્તોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે સાથે CCTV તેમજ ડ્રોન કેમેરાથી પણ બાજ નજર રાખવામં આવી રહી છે.
દ્વારકાધીશની નગરી ભક્તિમય માહોલથી રંગાઈ
હોળી-ધૂળેટીના તહેવારમાં દ્વારકાધીશની નગરી દ્વારકા ભક્તિમય માહોલથી રંગાઈ છે. રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ માટે આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જગતમંદિરના પરિસરમાં ભક્તોએ રાસ રમીને ભક્તિમય માહોલ જમાવ્યો હતો. ડાકોરનું રણછોડરાયનું મંદિર હોય કે દ્વારકાનું જગતમંદિર હોળી-ધૂળેટીના તહેવારમાં કૃષ્ણ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.
Also read : Holi 2025: ગુજરાતમાં દ્વારકા,ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણી, ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું…
આ ઉપરાંત જે તે શહેરોના મંદિરમાં પણ ભક્તોએ હોળી રમી હતી. વૈષ્ણવ સમુદાયની હવેલીઓમાં પણ હોળીના સુંદર હવેલી સંગીત સાથે તહેવાર ઉજવાયો હતો.