હોળીના દિવસે કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું: અકસ્માત-આપઘાતના વિવિધ બનાવમાં પાંચ લોકોનાં મૃત્યુ

ભુજઃ હોળીના મહાપર્વ પર કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હતું. માર્ગ અકસ્માત અને આપઘાતની વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ લોકોના અકાળે મોત નિપજતાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ હતી. ખાવડાના રિન્યુએબલ ગ્રીન એનર્જી પાર્કમાં એક ૧૫ વર્ષની રેહાનાબાઈ શકુર ઈબ્રાહિમ સમાએ, જ્યારે બંદરીય મુંદરા તાલુકાના શિરાચામાં મૂળ બિહારના ૪૪ વર્ષીય આધેડ અનિલરાય સોનેલાલ અને લખપત તાલુકાનાં પાનધ્રોમાં ૪૦ વર્ષીય કાસમ લધા કોલીએ ગળેફાંસો ખાઈ અનંતની વાટ પકડી લેતાં પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બીજી તરફ, ગાંધીધામ શહેરમાં નૂરી મસ્જિદ નજીક બેકાબુ બનેલી ટ્રકે બે દ્વિચક્રી વાહન તેમજ ટેન્કરને અડફેટે લેતાં મોપેડ ચાલક સવાભાઈ પમારનું મોત થયું હતું તેમજ ચાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. જયારે ભુજ તાલુકાના ધાણેટી ગામની એક કંપનીમાં કામ દરમ્યાન ૪૨ વર્ષિય શ્રમીક મુકેશ કલા માલીવાડનો પગ લપસી જતાં તે પાણીના ટાંકામાં પડી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ખાવડા ખાતેના આર.ઈ પાર્ક, સેલ કંપનીમાં રહેતા શકુર ઈબ્રાહિમ સમાની ૧૫ વર્ષીય પુત્રીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું. બીજી તરફ, મુંદરા તાલુકાનાં શિરાચામાં મફતનગરીમાં રહેતા મૂળ બિહારના અનિલરાયે ગત સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાનાં ઘરની છત પરનાં લોખંડનાં એંગલ સાથે ગળે ટૂંપો ખાઈ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ ઉપરાંત સીમાવર્તી લખપત તાલુકાનાં પાનધ્રો ખાતેના એકતા નગર ખાતે રહેતા કાસમે પોતાની કથળેલી આર્થિક પરિસ્થિતિની ચિંતા વચ્ચે બાવળની ઝાડીમાં વાયર વડે ગળેફાંસો ખાઈ પોતાનો જીવ લઇ લેતાં નારાયણસરોવર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો…ગુજરાતને સુરક્ષિત રાખતા પોલીસ જવાનો સામે આ છે મોટો ખતરોઃ જાણો સર્વે શું કહે છે
ગાંધીધામના મીઠીરોહરમાં રહેનાર સવાભાઈ અને તેમના પત્ની ગત રાત્રીના તેમના હોસ્પિટલમાં દાખલ પરિજનના ખબર-અંતર પૂછવા આવ્યા હતા અને બાદમાં મોપેડ પર સવાર થઈને પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સામેથી ભચાઉ બાજુથી આવતા ટ્રેઈલર (નંબર જીજે-૧૨-બીવાય-૩૩૪૪ના) ચાલકે આગળ જતી મોટરસાઈકલને ટક્કર મારી હતી, બાદમાં ડિવાઈડર તોડીને સામેના ભાગે કંડલાથી ભચાઉ બાજુ જઈ રહેલા જ્વલનશીલ ગેસના ટેન્કર સાથે ટકરાતાં તેની બાજુમાંથી પસાર થનાર મોપેડને જોરદાર ટક્કર લાગતાં સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતમાં મોપેડચાલક સવાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું, તેમના પત્ની, અન્ય મોટરસાઇકલ ચાલક તથા ખુદ ટ્રેઈલરચાલકને પણ ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો…ગુજરાતભરમાં ધૂળેટીએ મંદિરોમા ભક્તોની લાઈનો લાગી, શેરીઓ અને સોસાયટીઓમાં રંગેચંગે ઉજવણી
અન્ય અપમૃત્યુની ઘટના ધાણેટી ખાતે બની હતી. સોમનાથ સિલિકા પ્રોસેસર કંપનીની અંદર ગત ઢળતી બપોરના અરસામાં શ્રમિક મુકેશ કામ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ અકસ્માતે લપસતાં તે પાણી ભરેલાં ટાંકામાં ખાબક્યો હતો. આસપાસ રહેલા અન્ય શ્રમિકો તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.