આજે હોળી અને જુમ્માની નમાજ એક જ દિવસે; ઘણા રાજ્યોમાં પોલીસ એલર્ટ પર

નવી દિલ્હી: આજે દેશભરમાં ધામધૂમથી હોળી ઉજવવામાં આવી રહી છે, ત્યારે પવિત્ર રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે, આજે શુક્રવારની જુમ્માની નમાજ પણ અદા કરવામાં (Holi and Jumma Namaz) આવશે. છેલ્લા ઘણા દિવસોથી કેટલાક નેતાઓએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, જેને કારણે શાંતિ ડહોળાવનો ભય છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે દેશના ઘણા રાજ્યોમાં પોલીસ ફોર્સ એલર્ટ પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે શુભેચ્છા પાઠવતા કહ્યું કે આનંદ અને ખુશીથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવો ઉત્સાહ અને ઉર્જા લાવે.
દિલ્હીમાં કડક વ્યવસ્થા:
હોળી અને રમઝાનની નમાજ એક જ દિવસે હોવાથી દિલ્હી પોલીસ એલર્ટ પર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસે શુક્રવારે રાજધાનીમાં અર્ધલશ્કરી દળો સહીત 25,000 કર્મચારીઓને તૈનાત કર્યા છે.
દિલ્હી પોલીસના અધિકરીએ જણાવ્યું હતું કે 300 થી વધુ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે અને ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદથી દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા બે વર્ષમાં હોળી દરમિયાન કરવામાં આવેલા પીસીઆર કોલ્સને ટ્રેસ કર્યા છે અને સૌથી સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે. મોટાભાગના કોલ બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, કડક પેટ્રોલિંગ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ પોલીસ એલર્ટ પર:
હોળી રમવા અને નમાઝ પઢવા અંગે ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ ગરમાયું છે. ઘણા નેતાઓએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતાં. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ છે. ઉત્તર પ્રદેશ પોલીસે પણ હોળી માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસે ઘણા શહેરોમાં ફ્લેગ માર્ચ કરી હતી.
ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસ અધિકારીઓએ લોકો સાથે વાતચીત કરી અને શાંતિપૂર્ણ રીતે હોળી ઉજવવાની અપીલ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે.
આ રાજ્યોમાં પણ કડક બંદોબસ્ત:
ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દક્ષિણ રાજ્યોમાં પણ પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ પર છે. પોલીસ મુખ્યાલયે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી છે કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.