ટોપ ન્યૂઝનેશનલ

World Kidney Day : ગુજરાતમાં કિડનીના દરદીઓ વધી રહ્યા છે, અને કિડનીદાન કરનારા હજુ પણ અચકાય છે…

ગુજરાતમાં ડાયાલિસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. છેલ્લા 4 વર્ષમાં આ દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેવું ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP -Gujarat Dialysis Program) ના આંકડા દર્શાવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC-Institute of Kidney Disease and Research Center)ના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ દ્વારા આના દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. તો પ્રશ્ન થાય કે, આવું શા માટે થઈ રહ્યું છે? કેમ ડાયાલિસિસ (Dialysis)ના દર્દીઓની સંખ્યા વધી રહી છે? આંકડાની વાત કરવામાં આવે તો, 2021-22 માં 2.73 લાખ ડાયાલિસિસના દર્દીઓ હતાં. આ આંકડો 2022-23માં વધ્યો અને દર્દીઓની સંખ્યા 3.49 લાખ થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, આંકડો સતત વધતો જ જાય છે. કારણ કે, ડાયાલિસિસના દર્દીઓની સંખ્યા 2023-24 માં 4.72 લાખ અને 2024-25 માં 5.02 લાખ થઈ ગઈ.

દર વર્ષે માર્ચ મહિનાના બીજી ગુરૂવારે ઉજવાય છે વિશ્વ કિડની દિવસ

જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહીં છે તેને જોતા કિડનીના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવી ખુબ જ જરૂરી છે. જેથી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારને વિશ્વ કિડ (World Kidney Day)ની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2025ની વાત કરવામાં આવે તો આ વર્ષે ‘શું તમારી કિડની સ્વસ્થ્ય છે? વહેલાસર શોધો, કિડનીના સ્વાસ્થ્યનું રક્ષણ કરો’ (is your kidney OK? detect early protect kidney health)ની થીમ પર વિશ્વ કિડની દિવસ (World Kidney Day)ની ઉજવણી કરવામાં આવી રહીં છે. જો તમને આવી કોઈ પણ પ્રકારની કિડનીને લગતી બીમારી હોય તો સત્વરે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

અંગદાન વિશે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ શું કહ્યું?

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અનેક લોકોએ અંગદાન કર્યું છે. જેથી આજે વિશ્વ કિડની દિવસ (World Kidney Day)ને લઈને હોસ્પિટલે આંકડા આપ્યાં છે કે, છેલ્લા 50 મહિનાઓમાં બ્રેઈન ડેડ થયેલા લોકોએ અંગદાન કરી 328 કિડનીઓ દાનમાં આવી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે, 100 દર્દીઓ સામે 7 થી 10 દર્દીઓને કિડનીની જરૂર હોય તેની સામે માત્ર એક કિડની મળે છે. બાકીના દર્દીઓને રાહ જોવી પડતી હોય છે. IKDRC હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. વિવેક ખુટે જણાવ્યું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા 100 દર્દીઓમાંથી માત્ર સાતથી 10 દર્દીઓને જ એક કિડની મળે છે. બાકીના દાતાઓની અછતને કારણે રાહ જોતા રહે છે.

છેલ્લા 50 મહિનામાં 587 અંગોનું દાન લેવામાં આવ્યું

હોસ્પિટલમાં આવતા અંગદાનની વાત કરવામાં આવે તો, છેલ્લા 50 મહિનામાં, હોસ્પિટલે 181 બ્રેઈન ડેડ દર્દીઓ પાસેથી 328 કિડની સાથે સાથે 157 લીવર, 120 જોડી આંખો, 56 હૃદય, 30 ફેફસાં, 10 સ્વાદુપિંડ, 09 ત્વચા કલમ, 06 હાથ અને આંતરડા સહિત કુલ 587 અંગોનું દાન લેવામાં આવ્યું છે પરંતુ કિડનીની અછતને પૂર્ણ કરી શકાઈ નથી. તબીબોનું કહેવું છે કે, પરિવારોને અંગોનું દાન કરવા માટે મનાવવાનું એક મુશ્કેલ કાર્ય છે. કારણ કે, અંગદાનમાં પરિવારને ઘણી બધી શંકાઓ થતી હોય છે.

પરિવાર અંગદાન વખતે કેવા કેવા સવાલો કરે છે?

જ્યારે પણ કોઈ બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે વાત કરવામાં આવે ત્યારે શા માટે અંગો જોઈએ છે? આ અંગો કોને મળશે? શું તમે કોઈ મોટા વ્યક્તિને અંગો આપી રહ્યાં છો? તમને આમાં કેટલા રૂપિયા મળે છે? આવા સવાલો થયા હોય છે. જેથી અંગદાન માટે દર્દીના પરિવારને સમજાવવો ખુબ જ અઘરો હોય છે. ડૉક્ટરોનું કહેવું છે કે, કલાકો સુધી તેમને સમજાવવા પડે છે. આવું થવા પાછળનું કારણ એ પણ છે કે, અંગદાન વિશે ઘણી અફવાઓ ફેલાયેલી છે. જેથી બ્રેઈન ડેડ થયેલા પરિવારજનોમાં ડર હોય છે. ડૉક્ટરોનું એવું પણ કહેવું છે કે, ઘણીવાત તો પરિવાર એ માનવા જ તૈયાર નથી થતો તેમનો બ્રેઈન ડેડ થયો છે.

Read This…ઓલ્ડ ઇઝ ગોલ્ડ, વર્ષો સુધી સંભાળી રાખેલા શેરે બદલી નાંખી કિસ્મત…

અંગોનું ચોક્કસ સમય મર્યાદામાં ટ્રાન્સપ્લાન્ટ થવું અનિવાર્યઃ તબીબ

અંગદાનની વાત કરવામાં આવે તો, તબીબોનું કહેવું છે કે, જ્યારે પણ કિડની, હ્રદય, લીવર અને ફેફસા જેવાનું અંગદાન થાય તો તેનું સત્વરે એક ચોક્કસ સમય મર્યાદામાં ટ્રાન્સપ્લાન્ટ થવું અનિવાર્ય છે. બાકી તે અંગો નિષ્ક્રિય અને બિનઉપયોગીબની જતાં હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક તબીબે કહ્યું કે, અમે શંકાઓને દૂર કરવા અને અંગ દાન અંગેના ફેલાયેલી અફવાઓ સામે જાગૃતિ લાવવાનું કામ કરીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button