પુરુષલાડકી

ડિયર હની : એ કોળિયો કાળજે લાગે …

કૌશિક મહેતા

આપણા સાહચર્યનું સુંદર પરિણામ એટલે દીકરી. એનાં ઉછેરની યાદગાર પળો યાદ આવે છે. બાળક આ દુનિયામાં આવે એ પછી વાતાવરણમાં સેટ થતા એને વાર લાગે છે. એના કરતા ય આપણને એટલે કે માતા- પિતાને સેટ થતા વાર લાગે છે, પણ એ વખતની પળ, દિવસોમાં તકલીફો પણ આવી અને એની મજા પણ આપણે માણી. ઘોડિયામાં દીકરી સુતી હોય અને એ એકાદું નાનકડું પણ સ્મિત આપે તો આપણું દિલ કેવું ગાર્ડન ગાર્ડન થઇ જતું. અને ઘોડિયામાં સુતી હોય અને ઊઠે ત્યારે એકાએક રડવા લાગે તો આપણે બંને કેટલા હાફળાંફાફળાં થઇ જતાં.

Also read : યે તેરા ઘર, યે મેરા ઘર….

બાળકનો ઉછેર કેમ કરવો એ વિશે આપણે કેટલું બધું વાંચ્યું હતું, સમજવાનો પ્રયત્ન કર્યો હતો પણ જ્યારે બાળઉછેરની જવાબદારી ખરેખર આવી ત્યારે ખબર પડી કેટલી વિશે સો થાય. બાળઉછેરના પુસ્તકો ત્યારે બહુ કામ લાગતા નથી.હા, કોઈ વડીલ ઘરમાં હોય એનો અનુભવ જરૂર કામ લાગે છે.

મને અને તને બરાબર યાદ છે કે, ઘોડિયામાં દીકરીને સુવડાવવા માટે બા એની દોરી ખેંચતા હોય,ઘોડિયામાં એ આમથી તેમ ઝુલતી હોય અને બા હાલરડું ગાતા હોય એના આરોહ- અવરોહમાં દીકરી કેવી શાંત પડીને આખરે સુઈ જતી.

આ હાલરડા હવે સાવ ભુલાઈ ગયા છે. એનું એક વિજ્ઞાન છે અને હાલરડાથી
બાળક શાંત પડી સુઈ કેમ જાય છે એ વિશે સંશોધન થવું જોઈએ. મને અને તને
અફસોસ થતો હતો કે આપણને હાલરડાં આવડતા નહોતા. હા, મને કેટલાક બાળગીત આવડતા : ‘પેલી ફરફરિયા વાળી આવી આવી …’ ને એવાં બે-ત્રણ ગીતો મારા
બેસૂરા અવાજમાં ગાતો છતાં દીકરીને મજા પડતી અને થોડું ય હસતી તો બત્રીસ કોઠે
દીવા થતા.

આજનાં માતા-પિતાઓને આ હાલરડાં તો આવડતા નથી, પણ બાળ ગીતો પણ નથી
આવડતાં. આપણી લાડકી મોબાઈલ યુગમાં ઉછરી છે અને આજે બાળ- ઉછેર પણ
મોબાઈલનાં સહારે જ થાય છે. આજે મોટાભાગના ઘરોમાં બાળક સુતું ના હોય તો
મોબાઈલ પર રાઈમ્સ (જોડકણાં ) ચાલુ કરી દેવામાં આવે છે. એ ખાય નહીં તો સામે
મોબાઈલ ચાલુ કરી દેવાનો. કારણ કે આજના મમ્મી-પપ્પાને તો કોઈ વાર્તા પણ નથી આવડતી. તું કોઈને કોઈ વાત કરતી રહેતી અને કોળિયા ભરાવતી જતી હતી. ક્યારેક ખોળામાં બેસાડી જમાડતી.

મને તો એ બરાબર યાદ છે કે, બપોરે હું જમવા આવું ત્યારે દીકરીએ તો જમી જ લીધું હોય તો ય એ મારી સાથે જમવા બેસતી અને એકાદ કોળિયો ખાતી પણ ખરી. રાત્રે મારે આવવામાં મોડું થાય પણ મારું સ્કૂટર ઘરના દરવાજે પહોંચે એનો અવાજ સાંભળી એ ઊઠીને મારી સાથે જમવાના ટેબલ પર આવી જતી. સાચું કહું એ એકાદ કોળિયો લેતી,પણ એ એકાદ કોળિયો હું એના મોમાં મૂકતો પણ એ લાગતો હતો મારા કાળજે…! ક્યારેક તું ડારો દઈ એને જમાડતી અને એ મને જરાય પસંદ પડતું નહીં, પણ હું બહુ વિરોધ એટલે કરતો નહોતો કે એ એના પોષણનો સવાલ હતો.

Also read : પત્નીને પત્રઃ આવો સંબંધ કેટલો ટકે?

સાચું કહું તો એક દૃશ્ય મારી આંખમાં આજે ય એટલું તાજું છે. તું જ્યારે દીકરીનું પેટ ભરાવતી હતી ત્યારે તારા મુખ પર જે અનેરો ભાવ જોવા મળતો અને બાળક આંખ મીંચી પોષણ મેળવતું શાંત રહેતું એ શાંતિનો ભાવ હું કદીય નહિ ભૂલું. કેમ ભૂલું! એ તો મારા જીવનની સૌથી યાદગાર પળોમાની એક છે. તારું ય કૈક એવું છે. બધા કહે છે કે, સ્ત્રી માતા બને ત્યારે સૌથી વધુ સુંદર દેખાય છે અને એનો અનુભવ મેં કર્યો છે. આ વાત જ્યારે પણ કોઈ સ્ત્રી માતા બને ત્યારે સાચી પડતી આવી છે. માતૃત્વ એ માત્ર સ્ત્રીને મળતો લહાવો છે.

તારો બન્ની.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button