
-અંકિત દેસાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજકાલ જ્યાં જાય ત્યાં મેદસ્વિતા વિશે વાતો કરી રહ્યા છે. આપણે પણ અહીં એ વિશે વાત કરી છે.
જોકે, આ બધા વચ્ચે થોડા દિવસો પહેલાં બીજું એક સંશોધન આવ્યું કે આઈટી સેક્ટરમાં કામ કરી રહેલા 84% જેટલા યુવાનોને ફેટી લીવર સંદર્ભની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સંશોધન પાછું હૈદરાબાદની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે, જેના મૂળમાં લગભગ બે જ કારણ આવી રહ્યા છે.
Also read : વૃદ્ધાવસ્થામાં કેવું હોવું જોઈએ દામ્પત્ય જીવન?
એક કારણ છે મેદસ્વિતા અને બીજું કારણ છે આહારશૈલી અને જીવનશૈલી. વળી, અહીં આપણે સૌએ ધડો એ લેવો જોઈએ કે આઈટી સેક્ટરમાં સંશોધન થયું છે એટલે માત્ર આઈટી સેક્ટરને જ આ સંશોધન લાગુ પડે છે એવું નથી.
‘હૈદરાબાદ યુનિવર્સિટી’ ના આ સંશોધનમાં એક તારણ એમ પણ આવ્યું છે કે આઈટી સેક્ટરના લોકોને ફેટી લીવર સંદર્ભની સમસ્યાઓ એટલા માટે છે એ બધા દિવસનો મોટાભાગનો સમય બેસીને કામ કરે છે.તો આ જ નિયમ બીજા લાખો યુવાનો કે લોકોને પણ લાગુ પડે છે, જે બેસીને કામ કરે છે અને દિવસમાં સમ ખાવા પૂરતીય કસરતો નથી કરતા!
ચિંતાની વાત એ છે કે માત્ર ફેટી લીવર જ નહીં, પાછલા એક દાયકામાં જૂદા જુદા અનેક રોગ વિશે અને યુવાનોમાં વધતા જતા અકાળ અવસાનો વિશે ગાઈબજાવીને કહેવાઈ રહ્યું છે કે તમે ખાવાપીવામાં ધ્યાન રાખો, જંક ફૂડ ન ખાઓ અને નિયમિત કસરતો કરતા રહો. જોકે અનેક સંદર્ભે વારંવાર એક જ વાત કહેવાવા છતાં એક દેશ તરીકે કે પ્રજા તરીકે આપણે સમજતા નથી આ કેવી ગંભીર વાત કહેવાય.
આપણે આપણા જ સ્વાસ્થ્ય માટે એટલા બધા ઉદાસીન છીએ કે આપણને કંઈ ફરક જ નથી પડતો કોઈ પણ ગાઈડલાઈન્સથી. આ લખાઈ રહ્યું છે ત્યારે ય એક સમાચાર આવ્યા છે આ વર્ષે આઈપીએલમાં તમાકુ અને દારૂના વેચાણને પ્રોત્સાહન આપે એવી જાહેરાતો પર પ્રતિબંધ મુકાશે.
કેમ?
-તો કે ભારતમાં દર વર્ષે 14 લાખ લોકોના જીવ તમાકુ એકલું લઈ રહ્યું છે. અગેઈન, આ ખાણીપીણી અને લાઈફ સ્ટાઇલનો જ પ્રશ્ન છે. અને આપણને ખબર છે કે આપણે એક યા અન્ય પ્રકારે તમાકુનું સેવન કરવું એ યોગ્ય નથી, છતાં આપણે એ સંદર્ભે કંઈ શીખવા કે સમજવા નથી માગતા.
કેમ ?
- તો કે આપણે આપણા જ સ્વાથ્ય બાબતે ગંભીર નથી. અને આ એક ચિંતાનો વિષય એટલા માટે બને છે કે સમાજનો એક મોટો વર્ગ આ પ્રકારનું વલણ ધરાવે છે. એક મોટો વર્ગ એવો છે જે આહાર પ્રત્યે અત્યંત બેદરકાર છે. એક મોટો વર્ગ એવો છે, જેની લાઈફ સ્ટાઈલમાં સોફાથી ઉઠીને ખુરશી, ખુરશીથી ઉઠીને બેડ અને બેડથી ઉઠીને ફરી સોફાનું ચક્ર છે. નથી એ મોટો વર્ગ નાનાં મોટા મહેનતના કામ કરતો એ નથી એ વર્ગ કસરત કરતો. આ કારણે એ એમના શરીર પર વધારાની અને કારણ વિનાની ચરબીના થર જામતા રહે છે. આ વધારાની ચરબી એકમાત્ર એવી ઘટના છે કે એનાથી માણસને એકથી વધુ બીમારીઓ થાય છે.
Also read : ગૃહિણી કેટલા કલાક કામ કરે છે?
આમ છતાં આટલી સાદી વાતા આપણને સમજાતી નથી. તો એ માટે કરવાનું શું ? તો કે જીમ તો આપણે જઈ રહ્યા અને ઘરે પણ કલાક-પોણા કલાકનું વર્કઆઉટ કરી રહ્યા, પરંતુ શોર્ટ વીડિયોઝના આ સમયમાં એક્સપર્ટ્સ એમ કહી રહ્યા છે કે છેલ્લે કંઈ નહીં તો અઠવાડિયમાં દોઢસો મિનિટ એવી કાઢો જે દોઢસો મિનિટમાં તમે સહેજ દોડો છો, કૂદો છો કે હાથ-પગને કે વિવિધ સ્નાયુઓ ખેંચાય છે એવી કસરત કરો! કંઈ નહીં તો આ દોઢસો મિનિટ જ સાચવી લેશો તો આટલી મિનિટ્સ જ શરીરને શ્રમ આપશો તો હાર્ટ એટેક જેવી બીમારીઓમાં 31% જેટલો ઘટાડો થાય છે એટલે કંઈ નહીં તો આપણે આટલું તો કરવાનું થાય જ છે. અને જો આનાથી વધુ કરીએ છીએ તો સમજી લેવું કે આપણો બેડો પાર થઈ ગયો. જો આપણે રોજનો અડધા કલાક જેટલો સમય કસરત કે વ્યાયામને આપીશું તો આપણે માટે જીવન સરળ થઈ જશે.