
અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરમાં હાલ એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો સેવા સતત કાર્યરત છે. જેમાં હાલ શહેરમાં મેટ્રોના ફેઝ-1 (Metro Train)નું કામ પૂર્ણ થયું છે. જ્યારે બીજા ફેઝનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ અંગે ગુજરાત વિધાનસભામાં માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મોટેરા અને ગિફ્ટ સિટી/ મહાત્મા મંદિર વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 નું 78.33 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આ બાકીનું કામ જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. જ્યારે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું 57.20 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.જે ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
Also read : Gujarat સરકાર સુધારેલા નવા જંત્રી દરો 30 માર્ચે જાહેર કરે તેવી શક્યતા
ફેઝ -2માં 28.25 કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો
અમદાવાદ મેટ્રો ફેઝ -2માં 28.25 કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. ફેઝ-2 માં અમદાવાદના મોટેરા સ્ટેશનથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી પરિવહન શરૂ કરવામાં આવશે. અમદાવાદ મેટ્રો ફેઝ 2 પ્રોજેક્ટને 19 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારત સરકારના મંત્રીમંડળે 5384.17 કરોડ રૂપિયાના કુલ અંદાજિત ખર્ચે મંજૂર કર્યો હતો.
4 માર્ચ 2019 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેનું બાંધકામ ફેબ્રુઆરી 2021 માં શરૂ થયું હતું.
મેટ્રો દરરોજ સરેરાશ 90,000 મુસાફરોને સેવા આપે છે
ઉલ્લેખનીય છે કે, મેટ્રો દરરોજ સરેરાશ 90,000થી વધુ મુસાફરોને સેવા આપે છે. આમાંથી, પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર 66,120 મુસાફરો અને ઉત્તર-દક્ષિણ કોરિડોર પર 23,500 મુસાફરો મુસાફરી કરે છે. મોટેરાથી સેક્ટર-1 અને GNLU થી GIFT સિટી સુધીના નવા શરૂ થયેલા સ્ટ્રેચનો ઉપયોગ દરરોજ સરેરાશ 2,500 મુસાફરો કરે છે. મોટેરા અને સેક્ટર-1 વચ્ચે આઠ ટ્રીપ છે.
Also read : Ahmedabad માં વધતી ગરમી વચ્ચે કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અમલ મૂક્યો
થલતેજથી વસ્ત્રાલ સુધી મુસાફરોનો ટ્રાફિક વધુ
આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ સુધી મુસાફરોનો ટ્રાફિક વધુ છે કારણ કે આ સ્ટ્રેચ કોમર્સ કોલેજ, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાંકરિયા અને વસ્ત્રાલના ઔદ્યોગિક પટ્ટા જેવા મહત્વપૂર્ણ સ્થળોને જોડે છે. જોકે, ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં ગુજરાત કોલેજની નજીક ગાંધીગ્રામ નામનું એક જ મહત્વપૂર્ણ સ્ટેશન છે.