ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો-ગણવેશ આપનારું દેશનું પ્રથમ રાજ્ય

અમદાવાદ: ગુજરાતના વડોદરા અને જુનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની વિગતો આપતાં શિક્ષણ પ્રધાન ડૉ. કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015 -16 થી દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટ-2009 હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ, સ્કૂલબેગ માટે વિદ્યાર્થીદીઠ રૂ. 3000 સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ જ પ્રકારે, આવી દરેક શાળાને પણ વિદ્યાર્થીદીઠ ચૂકવાતી રકમમાં વર્ષ 2022-23થી વધારો કરીને હાલ રૂ. 13,675 ની રકમ સીધી જ બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
2735 વિદ્યાર્થીઓને આ કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો
વર્ષ 2023-24 ના શૈક્ષણિક વર્ષમાં જુનાગઢ જિલ્લાની 441 શાળામાં 1451 વિદ્યાર્થીઓને, વડોદરા જિલ્લાની 158 શાળામાં 796 વિદ્યાર્થીઓને તથા વડોદરા શહેરની 331 શાળામાં 3726 વિદ્યાર્થીઓને આ કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ જ પ્રકારે વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં જુનાગઢ જિલ્લાની 426 શાળામાં 694 વિદ્યાર્થીઓને, વડોદરા જિલ્લાની 164 શાળામાં 831 વિદ્યાર્થીઓને તથા વડોદરા શહેરની 336 શાળામાં 2735 વિદ્યાર્થીઓને આ કાયદા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો.