પુણે બળાત્કાર કેસમાં બેદરકારી બદલ ચાર પરિવહન અધિકારીઓ સસ્પેન્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે પુણે શહેરના સ્વારગેટ બસ ડેપો પરિસરમાં એક મહિલા પર બળાત્કારની ઘટનામાં બેદરકારી દાખવવા બદલ રાજ્ય સરકાર દ્વાર સંચાલિત મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના એક સિનિયર મેનેજર સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે મુંબઈમાં ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં આ જાહેરાત કરી હતી.
એક નિવેદનમાં, સરનાઈકે જણાવ્યું હતું કે પચીસ ફેબ્રુઆરીએ ડેપોમાં પાર્ક કરેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસમાં 26 વર્ષની મહિલા પર બળાત્કાર થયા બાદ નિગમના અધિકારીઓ વતી કોઈ બેદરકારી હતી કે કેમ તે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આપણ વાંચો: પુણેમાં બસમાં બળાત્કારની ઘટના બાદ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને છોડવામાં નહીં આવે: અજિત પવાર
મંગળવારે તપાસનો અહેવાલ મળ્યા પછી સિનિયર ડેપો મેનેજર જયેશ પાટિલ, જુનિયર ડેપો મેનેજર પલ્લવી પાટીલ, સહાયક પરિવહન ઈન્સ્પેક્ટર સુનીલ યેલે અને સહાયક ટ્રાન્સપોર્ટ સુપરિન્ટેન્ડેન્ટ મોહિની ધગેને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એવી માહિતી તેમણે ગૃહને આપી હતી.
તેમણે એમએસઆરટીસીની સુવિધાઓમાં મુસાફરોની સલામતી અંગે આગામી દિવસોમાં પણ ફરજમાં કોઈ બેદરકારી દાખવવામાં આવશે તો આવી જ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું કે ઘટના બની ત્યારે ફરજ પર રહેલા બાવીસ સુરક્ષા ગાર્ડ્સને તાત્કાલિક બદલી દેવામાં આવ્યા હતા.
ભૂતકાળના ગુનાહિત રેકોર્ડ ધરાવતા દત્તાત્રય ગાડે (37), આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતી મહિલા પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.