આપણું ગુજરાત

Gujarat માં અનુસૂચિત જાતિ સહિતના પછાત વર્ગોને અપાતી ઘર સહાયમાં વધારો કરાયો

અમદાવાદ : ગુજરાત(Gujarat)વિધાનસભા ગૃહ ખાતે અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે નાણાં મંત્રીએ વર્ષ 2025-26 માટે રાજ્યનું કુલ રૂ. 3લાખ 70 હજાર 250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. જેમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના સહિત વિવિધ યોજનાઓ માટે કુલ રૂ. 14102 કરોડ 26 લાખની જોગવાઇ કરી છે. જે ગત વર્ષની સરખામણીએ રૂ. 2577 કરોડ 78 લાખ જેટલી વધારે છે.

રાજ્ય સરકાર દરેક નાગરિકને ઘરનું ઘર આપવા માટે તત્પર છે.ત્યારે અનુસૂચિત જાતિ સહિતના પછાતવર્ગોનું સપનું સાકાર કરવા આગામી વર્ષથી આ વિભાગ હસ્તકની આવાસ યોજનાઓ હેઠળ આપવામાં આવતી મકાન સહાયમાં રૂપિયા 50,000 નો વધારો કરી રૂપિયા 1,70,000 ની મકાન સહાય આપવામાં આવશે. જેના માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ’ યોજના બંધઃ કોંગ્રેસ આક્રમક મૂડમાં…

રાજ્યમંત્રીએ કહ્યું કે વિવિધ ક્લ્યાણકારી યોજનાઓ દ્વારા વંચિતોના, પિડિતોના, શોષિતોના, અનુસૂચિત જાતિઓના, વિચરતી અને વિમુકત જાતિઓના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના, દિવ્યાંગજનોના, વિધવા બહેનોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે.

ડૉ.આંબેડકર આવાસ યોજનામાં રૂ.127.50 કરોડની જોગવાઇ

જે અંતર્ગત અંદાજપત્રમાં શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.624.90 કરોડની અને વિકસતી જાતિ કલ્યાણ માટે અંદાજે રૂ.1612 કરોડની જોગવાઇ મળી કુલ રૂ. 2236.90 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજના દરેક વર્ગની જરૂરિયાત પ્રમાણે કલ્યાણકારી યોજનાઓનો અમલ કરી સર્વેનો ઉદય થાય તમામનું કલ્યાણ થાય તે દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે. વિકસતી જાતિઓ માટેની પંડિત દીનદયાળ આવાસ યોજનામાં રૂ.265 કરોડ તેમજ અનુસૂચિત જાતિઓ માટેની ડૉ.આંબેડકર આવાસ યોજનામાં રૂ.127.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વર્ષ 2025-26 ની રૂપિયા 14,102.26 કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button