વન-ડેના રૅન્કિંગમાં કુલદીપની છલાંગ, જાડેજા પણ ટૉપ-ટેનમાં
રોહિત-કોહલીએ સ્થાનની અદલાબદલી કરી, ગિલ હજીયે નંબર-વન

દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતા આઇસીસીએ વન-ડેના નવા ક્રમાંકો જાહેર કર્યા છે જે અનુસાર ચૅમ્પિયન્સ ટ્રોફીના ભારતના ચારમાંથી બે સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ તથા રવીન્દ્ર જાડેજાને ઘણો ફાયદો થયો છે. ગયા વખતે રૅન્કિંગ જાહેર કરાયા ત્યારે કુલદીપ ત્રણ સ્થાન નીચે ઊતરી ગયો હતો, પરંતુ આ વખતે તે ત્રણ ક્રમ ઉપર આવ્યો છે. તેની ત્રણ નંબરની આ છલાંગની સાથે રવીન્દ્ર જાડેજા ઘણા સમય બાદ ફરી વન-ડે બોલર્સના ટૉપ-ટેનમાં આવી ગયો છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કુલદીપે પાંચ મૅચમાં 31.86ની સરેરાશે કુલ સાત વિકેટ લીધી હતી. ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં તેણે ઉપરાઉપરી બે ઓવરમાં બે મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે રચિન રવીન્દ્ર (37 રન) અને કેન વિલિયમસન (11 રન)ને આઉટ કર્યા હતા.

કુલદીપ ત્રણ ક્રમની છલાંગ લગાવીને ત્રીજા નંબર પર આવી ગયો છે અને જાડેજાએ ફરી ટૉપ-ટેનમાં એન્ટ્રી કરીને 10મા સ્થાન પર આવી ગયો છે.
આ પણ વાંચો: રૅન્કિંગમાં અભિષેકની છલાંગને લીધે તિલક અને સૂર્યાને નુકસાન, જાણો કેવી રીતે…
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કુલદીપ-જાડેજા સહિત ચાર સ્પિનરોના આક્રમણે હરીફ ટીમોને પરાજયનો દરવાજો બતાવ્યો હતો. કુલદીપ અને જાડેજા ઉપરાંત વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે પણ સ્પિનનો અટૅક સતત જાળવી રાખ્યો હતો અને ભારતને ટાઇટલ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
વન-ડેના બૅટિંગના ક્રમાંકોમાં શુભમન ગિલે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. પાકિસ્તાનનો બાબર આઝમ બીજા નંબરે તેનાથી ઘણો દૂર છે.
આ પણ વાંચો: ટેસ્ટના રૅન્કિંગમાં રિષભ પંતને ફરી ઝટકો, ટૉપ-ટેનની એક્ઝિટની લગોલગ આવી ગયો

વન-ડેના બૅટિંગના રૅન્કિંગમાં રોહિત શર્મા બે ક્રમ આગળ આવ્યો છે અને હવે પાંચમા સ્થાન પરથી ત્રીજા સ્થાને બિરાજમાન થયો છે. બીજી તરફ, વિરાટ કોહલી એક નંબર નીચે ઊતરીને પાંચમે જતો રહ્યો છે. ટૂંકમાં, રોહિત-કોહલીએ પોતપોતાના સ્થાનની અદલાબદલી કરી છે.
ટૂંકમાં, વન-ડે બૅટર્સના ટૉપ-ટેનમાં ચાર ભારતીય છે. ગિલ, રોહિત અને કોહલી ઉપરાંત શ્રેયસ ઐયર પણ એમાં છે. તે આઠમા નંબરે છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ 263 રન બનાવનાર ન્યૂ ઝીલૅન્ડનો રચિન રવીન્દ્ર 14 ક્રમ ઉપર આવ્યો છે. તે હવે 14મા સ્થાને છે. ભારત સામે પરાજિત ન્યૂ ઝીલૅન્ડનો ડેરિલ મિચલ એકમાત્ર કિવી પ્લેયર છે જે ટૉપ-ટેનમાં છે. તે આઠમા નંબરે છે.