રાજકોટની આ જાણીતી હૉસ્પિટલે નાની સર્જરીમાં ફટકાર્યું તોતિંગ બિલ, એક ટાંકો પડ્યો અધધ કિંમતમાં

Rajkot News: રાજકોટની વોકહાર્ટ હૉસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અહીં એક દર્દીને સામાન્ય સર્જરીનું લાખથી વધુ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું હતું. સાત ટાંકાનું બિલ 1.60 લાખ આપવામાં આવ્યું હતું.
દર્દીનો મેડિક્લેમ હોવાથી તેને 24 કલાક દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈ પરિવારજનો પણ ચોંકી ગયા હતા. દર્દીના પરિવારજનોએ હૉસ્પિટલ સામે ધીકતી કમાણીનો ધંધો શરૂ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
9 વર્ષના બાળકને ઇજા થતાં રાજકોટની વોકહાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હાથમાં ઇજા થઈ હોવાથી હૉસ્પિટલના તબીબોએ સર્જરી કરી ટાંકા લેવા પડશે તેમ કહ્યું હતું. જેથી તેના પરિવારે સર્જરીની મંજૂરી આપી હતી. બાળક પર નાની સર્જરી કરતાં હાથે 7 ટાંકા લીધા હતા. તેને 24 કલાક એડમિટ કરવામાં આવ્યો.
આપણ વાંચો: અમદાવાદની હૉસ્પિટલોમાં આ 3 વીમા કંપનીની કેશલેસ સુવિધા થશે બંધ, જાણો વિગત…
મેડિકલેમ હેઠળ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. હાથે ટાંકા લીધા બાદ બીજા દિવસે દર્દીને રજા આપતી વખતે હૉસ્પિટલે 1 લાખ 60 હજારનું બિલ આપ્યું હતું. નાની સર્જરીમાં આટલું મોટું બિલ આવતા દર્દીના પરીવાર ચોંકી ગયો હતો. પરિવારે હૉસ્પિટલ સત્તાધીશોને આ બાબતે પૂછપરછ કરતાં ગલ્લાં તલ્લાં કરવામાં આવ્યા હતા.
હૉસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા 10 હજાર રોકડા પણ ભરાવ્યાં હતા. પરિવારે આક્ષેપ કરતાં કહ્યું કે બાળકના હાથ પર એક પણ ઓપરેશન કરેલ નથી માત્ર ટાંકા લીધેલા છે. બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝીટના ચાર્જીસ લગાવાયા છે.
તેમના બાળકને ટાંકાની સારવાર આપવામાં આવી છે અને તેના હૉસ્પિટલ મુજબ 22800 રૂપિયા થાય છે. તેની સામે હૉસ્પિટલે 1.60 લાખનું બિલ ફટકાયું છે. દેશની કોઈપણ હૉસ્પિટલમાં ટાંકા લેવાનો આટલો મોટો ચાર્જ નથી. મેડીકલેઇમ હોય તો પણ પહેલા કોઈપણ હૉસ્પિટલ દર્દીના સગાને પૂછયા બાદ જ બિલ આપતી હોય છે.