ફડણવીસ સરકારના વધુ એક પ્રધાન વિવાદોમાંઃ જયકુમાર ગોરે મામલે ઠાકરેસેનાએ ઘેરી મહાયુતીને

મુંબઈઃ મહાયુતી સરકારમાં ગૃહ પ્રધાનપદ પોતાની પાસે રાખવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે દિવસે ને દિવસે અઘરું બની રહ્યું છે. વધતી ગુનાખોરી તો ખરી જ પણ પોતાની સરકારના પ્રધાનોના જ કારનામા મહાયુતી સરકાર માટે મોટી અડચણ બની ગયા છે.
માત્ર ખોબા જેટલા હોવા છતાં વિરોધીઓની સખત ટીકા બાદ કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેનું રાજીનામું લેવામાં આવ્યું હતું. સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મામલો એટલે ગરમાયો કે આખરે મુંડેએ રાજીનામું આપવું પડ્યું.
હવે ફરી એક પ્રધાન વિવાદોના વમળમાં ફસાયા છે અને તેમના પર ભારે ગંભીર આરોપો પણ છે.
આ પણ વાંચો: ધનંજય મુંડેના રાજીનામા બાદ હવે જયકુમાર ગોરેના રાજીનામાની માગણી
ગ્રામવિકાસ પ્રધાન પર ગંભીર આક્ષેપ
ગ્રામવિકાસ પ્રધાન જયકુમાર ગોરે (ભાજપ) પર આક્ષેપો થયા છે કે તેમણે એક મહિલાને તેમના 300 જેટલા નગ્ન ફોટા મોકલ્યા હતા. મહિલાઓ રાજ્યપાલ સમક્ષ પણ ધા નાખી હતી અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. મહિલાના કહેવા અનુસાર જયકુમારે તેમની પગે પડી માફી માગતા તેણે કેસ પાછો લીધો હતો, પરંતુ સતમણી બંધ થઈ ન હતી. જોકે જયકુમારે કોર્ટમાં એમ જણાવ્યું હતું કે કોર્ટે તેમને નિર્દોષ છોડ્યા છે.
પત્રકારની ધરપકડ
આ મહિલાનો ઈન્ટરવ્યુ અહીંના એક યુટ્યૂબરે કર્યો હતો અને સાથે ઘણા સમાચારપત્રોએ પણ સમાચાર પ્રકાશિત કર્યા હતા. તુષાર ખેરાત નામના આ પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. પત્રકાર પર ખંડણી અને એટ્રોસિટીની કલમ લગાડવામાં આવી હોવાના અહેવાલો છે. તો બીજી બાજુ પત્રકાર પર આવા ઘણા ગુનાઓ નોંધાયા હોવાના અહેવાલો પણ છે. આ સાથે મહિલાએ ફરી ઉપોષણ પર બેસવાની જાહેરાત કરી છે અને તેને પણ ધમકીઓ મળી રહી હોવાનું સ્થાનિક મીડિયા દ્વારા જાણવા મળ્યું છે.
સામનામાં સખત શબ્દોમાં ટીકા
શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં આ ઘટના મામલે ફડણવીસ સરકાર પર પ્રહારો કરવામા આવ્યા છે. અખબારમાં ટીકા કરતા લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છે, છતાં રાજ્યમાં અનેક ગુંડાઓ તેમના પ્રધાનમંડળમાં હોવાથી પોલીસ કંઈ કરી શકતી નથી. સત્તા અને પોલીસ દળનો દુરુપયોગ કરીને ગોરેએ સ્થાનિક પત્રકાર તુષાર ખરાતને ખોટા કેસ દાખલ કરીને ધરપકડ કરવા દબાણ કર્યું, તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
પત્રકારો-વિચારકો દહેશતમાં
ઠાકરેએ રાજ્યમાં જાહેર કર્યા વિનાની કટોકટી હોવાની ટીકા પણ કરી છે. સામનામાં લખ્યું છે કે
આ આપણું મહારાષ્ટ્ર છે જે તિળક, અગરકર, જાંભેકર, આચાર્ય અત્રેના પત્રકારત્વનો વારસો ધરાવે છે. એ મહારાષ્ટ્રમાં સત્ય કહેવા બદલ કોઈ યુવા પત્રકારને કોઈ પ્રધાન દ્વારા જેલમાં ધકેલી દેવામાં આવે તો એ રાજ્ય શિવરાયનું નહીં પણ મોદીનું છે એમ માનવું જોઈએ. મોદીની ટીકા કરનારાઓ સામે બદલો લેવાના આવા જ કૃત્યો દેશમાં ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ આ શરૂ થઈ ગયું છે. આના કારણે કાર્ટૂનિસ્ટ, પત્રકારો, લેખકો ભય હેઠળ છે. યુવા પત્રકાર તુષાર ખરાતની ધરપકડથી કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પહેલો અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મહારાષ્ટ્રમાં કટોકટી અને પત્રકારત્વની સેન્સરશિપ લાગુ કરવામાં આવી છે, આવા સવાલો સામનામાં પૂછવામાં આવ્યા છે.
આ સાથે ગુજરાતનો પણ સંદર્ભ લઈ કહેવામાં આવ્યું છે કે ભલે બીજા બધા ચૂપ બેસે પણ મહારાષ્ટ્રના તમામ પત્રકારો, લોકશાહીના મૂલ્યો માટે લડનારા લોકોએ, જયકુમાર ગોરેના કૃત્યો સામે ડર્યા વિના ઊભું રહેવું જોઈએ. જો મહારાષ્ટ્રમાં સત્ય બોલવું અને લખવું ગુનો બની જશે તો આ રાજ્ય પણ ગુજરાતની જેમ મૂક-બધિર બની જશે, તેમ પણ સામનામાં લખવામાં આવ્યું છે.
પ્રધાને આપ્યો આવો જવાબ
પ્રધાન જયકુમાર ગોરેએ આ અગાઉ જણાવ્યું હતું કે મારા પર આરોપ લગાવનાર દરેક વ્યક્તિ વિરુદ્ધ હું વિધાનસભાના ગૃહમાં હકભંગનો પ્રસ્તાવ લાવીશ. આ સાથે મને બદનામ કરનાર સામે હું બદનક્ષીનો દાવો કરીશ. જો મેં આ મહિલાને હેરાન કરી હોય તો પોલીસે તેની તપાસ કરવી જોઈએ. જયકુમાર ગોરે કહ્યું હતું કે આ તપાસમાં મારા કે સંબંધિત મહિલામાંથી જે પણ દોષી જણાય તેની સામે પગલાં લેવા જોઈએ.