વિદેશની ‘આંધળી ઘેલછા’ મોંઘી પડી: Modi સરકારે 266 નાગરિકની કરાવી ઘર વાપસી

નવી દિલ્હીઃ ભારતીયોમાં વિદેશમાં નોકરી કરવા જવાનો ઘણો ક્રેઝ છે. જોકે ઘણી વખત તેમને આ માટે મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. વિદેશમાં નોકરીના નામે થતી છેતરપિંડીના રોજબરોજ કિસ્સા સામે આવે છે. આ સ્થિતિમાં વિદેશમાં નોકરી કરવાની લાલચમાં ફસાયેલા 266 ભારતીય નાગરિકોની મંગળવારે ઘર વાપસી થઈ હતી.
તેમને દક્ષિણ પૂર્વ એશિયાના સાયબર ક્રાઈમ સેન્ટરમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. સોમવારે પણ આ રીતે 283 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસે મ્યાનમાર અને થાઈલેન્ડ સરકાર સાથે મળીને તેમની મુક્તિ અને સ્વદેશ વાપસીમાં મદદ કરી હતી.
વિદશ મંત્રાલયે કહ્યું કે, મ્યાનમાર સહિત દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં નોકરીની લાલચ આપીને લઈ જવામાં આવેલા લોકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ નાગરિકોને મ્યાનમાર-થાઈલેન્ડ સરહદ પર નકસલ પ્રભાવિત વિસ્તારોમાં થતી સાયબર ક્રાઈમ ગતિવિધિમાં બળજબરીથી સામેલ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: વિદેશમાં નોકરીની લાલચે યુવાનો પાસેથી નાણાં પડાવનારી ઑફિસ પર પોલીસની કાર્યવાહી
વિદેશ મંત્રાલયે શું આપી સલાહ
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને વિદેશમાં એજન્ટો મારફતે નોકરીએ જતા પહેલા કંપની, એજન્ટોના રેકોર્ડ ચેક કરવાની સલાહ આપી હતી. આ પહેલા ડિસેમ્બરમાં ભારતીય દૂતાવાસે મ્યાનમારના મ્યાવાડીમાં નોકરી કૌભાંડમાં ફસાયેલા છ ભારતીય નાગરિકોને મુક્ત કરાવ્યા હતા.
દક્ષિણ-પૂર્વ એશિયાનો ગોલ્ડન ટ્રાયંગલ વિસ્તાર સાયબર ક્રાઈમનું હબ છે. અહીં થાઇલેન્ડ, લાઓસ અને મ્યાનમારની આંતરરાષ્ટ્રીય સરહદ ભેગી થાય છે. અહીંયા સાયબર ફ્રોડ માટે બોગસ કોલ સેન્ટર ધમધમે છે. પીડિતોમાં દેશના વિવિધ રાજ્યોના લોકો સામેલ હોય છે. મ્યાનમાર સરકારે બંધકોને છોડાવવા અને તેમને થાઇલેન્ડમાં શિફ્ટ કરવા માટે તેની સેનાને મોકલી હતી.